ડાંગના બીજુરપાડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આહવા,
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બીજુરપાડા(પ્રાથમિક શાળા) ગામે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ શ્રી એન.પી.લવીંગીયા ના અધ્યક્ષ સ્થાને,પ્રાયોજના વહીવટદાર અને ઈ.ચા.નિવાસી અધિક કલેકટરશ્રી કે.જી.ભગોરા,પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીતની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
બીજુરપાડા ગામે સેવાસેતુ નો પ્રારંભ કરાવતા અધિક સચિવશ્રી એન.પી.લવીંગીયાએ જણાવ્યું હતું કે હંમેશા લોકોની ચિંતા કરનાર તથા દિર્ધદ્રષ્ટિ ધરાવતા રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તાલુકાઓમાં આવેલ ગામોમાં સેવાસેતુ કાર્યક્રમ થકી લોકોને સરળતાથી સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પાંચમાં તબક્કામાં પહોંચેલ સેવાસેતુ દરમિયાન ૧.૫૦ કરોડ લોકોની અરજીઓનો નિકાલ કરાયો છે. અંતરિયાળ ગામોમાં સરકારી તંત્રના અધિકારીઓ પહોંચે છે. જુદા જુદા ૧૩ જેટલા વિભાગોની ૫૧ પ્રકારની સેવાઓ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપી દેવાય છે. અત્યાર સુધી ૯૯ ટકા અરજીઓનો નિકાલ કરાયો છે. અધિક સચિવશ્રી લવીંગીયાએ વહીવટી તંત્રના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રાયોજના વહીવટદાર અને ઈ.ચા.નિવાસી અધિક કલેકટર શ્રી કે.જી.ભગોરાએ જણાવ્યું હતું કે પહેલા લોક દરબાર યોજવામાં આવતા હતા. હવે સેવાસેતુના માધ્યમથી લોકોને પોતાના ધર આંગણે જ આ લાભ આપી દેવામાં આવે છે. લોકોને તાલુકા કે જિલ્લા કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. ચાર-પાંચ ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામમાં લોકોની જરૂરિયાત મુજબની સેવાઓના લાભ આપવામાં આવે છે. ખેતીવાડી યોજના,આરોગ્ય,આવક-જાતિના દાખલા,વિધવા સહાય,વૃધ્ધ પેન્શન,દુધાળા પશુઓને લગતી યોજનાઓ તથા ટ્રાયબલ સબ પ્લાનની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ડાંગના ૩૮ ક્લસ્ટર બનાવીને ૨૩ સેવાસેતુ યોજવામાં આવ્યા છે. જેનાથી ૩૦,૦૦૦ લાભાર્થીઓને જુદી જુદી યોજનાનો લાભ અપાયો છે. સેવાસેતુના આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે માં વાત્સલ્ય કાર્ડ,સિનિયર સીટીઝન પ્રમાણપત્ર તથા વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અપાયો હતો. અધિક સચિવશ્રીના હસ્તે બીજુરપાડા સરપંચશ્રી કાંતીલાલ રાઉતને મહાત્મા ગાંધીજીના ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સ્મૃતિ ચિホ ચરખો અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે એ.પી.એમ.સી.ડિરેકટર રતિલાલ રાઉત,સુબીર મામલતદાર શ્રી એમ.એસ.માહલા,લાયઝન ઓફિસર અને ડિઝાસ્ટર મામલતદારશ્રી જયેશભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારીશ્રી સુરેશ કલારા, શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ એચ.ચૌધરી, આયુવેર્દિક હોસ્પિટલના ર્ડા.દિગ્વેશ ભોયે,ર્ડા.દિલીપ શર્મા,દ.ગુ.વી.કું.ના ઈજનેર શ્રી દિલીપ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.