વિશ્વની સહુ થી ઉંચી પ્રતિમાના પ્રાંગણમાં દેશ વિદેશના પતંગોએ માપી આકાશની ઊંચાઈ

વિશ્વની સહુ થી ઉંચી પ્રતિમાના પ્રાંગણમાં દેશ વિદેશના પતંગોએ માપી આકાશની ઊંચાઈ
Spread the love

રાજપીપળા,
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઉંચી અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની સૌથી ઉંચી પ્રતિમા છે. પ્રવાસનના વધુ એક નવીન આકર્ષણના રૂપમાં આજે બીજીવાર સરદાર પ્રતિમાના પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, ટી.સી.જી.એલ. અને નર્મદા જિલ્લા પ્રશાસનના સંકલનથી યોજાયો હતો જેનો પ્રારંભ વન વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. ડો.રાજીવ કુમાર ગુપ્તાએ કરાવ્યો હતો.

વિશ્વના ૧૬ જેટલા દેશોના ૫૨ વિદેશી, વિવિધ રાજ્યોના ૩૯ અને સ્થાનિક ૮૦ મળી કુલ ૧૬૯ જેટલા પતંગવીરોએ વિવિધ કદ અને આકારના, અવનવા, આકર્ષક પતંગો સરદાર પ્રતિમા સન્મુખ ઉડાડી આકાશની ઊંચાઇ માપવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપતા, પ્લાસ્ટિક મુક્ત કાગળના પતંગોનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને અગત્યના મહાનુભાવો સતત સરદાર પ્રતિમા નિહાળવા આવી રહ્યા છે એનો આનંદ વ્યક્ત કરતા શ્રી રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, આજે ૧૬ દેશોના ૫૨ જેટલા કસાયેલા પતંગવીરો આવ્યા છે. તેઓ પતંગ કલાના દેશ વિદેશમાં યોજાતા મહોત્સવોમાં ભાગ લે છે. આ મહેમાનોને સરદાર પ્રતિમા અને કેવડીયા અન્ય આકર્ષણો બતાવવાનું આયોજન છે. આ પ્રવાસી પતંગવીરો વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની દર્શનીયતાના સંદેશવાહક બનશે અને એના પગલે અહીં નવા મુલાકાતી ઉમેરાશે, એવો વિશ્વાસ ડો.ગુપ્તા એ વ્યક્ત કર્યો હતો.

ડૉ. ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે, સરદાર પ્રતિમા એ પ્રધનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિનું પ્રતિક છે અને રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશો હેઠળ એનો એક સંપૂર્ણ પ્રવાસધામ તરીકે વિકાસ કર્યો છે, એવી લાગણી એમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શ્રીમાન રઘુવીર સિંહજી અને રાજવી પરિવારના સદસ્યો, પૂર્વ ધારાસભ્યશ્રી શબ્દશરણ તડવી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, પ્રવાસન નિગમના પૂર્વ ડિરેક્ટર ગજેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી શ્રી કિરણ વસાવા સહિત પદાધિકારીઓ, પ્રવાસન નિગમ અને વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ, દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. યુ.કે.ના પતંગબાજ બોબ સી એ મોજથી પતંગ ઉડાડવાની સાથે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ અતુલ્ય નિર્માણ છે અને ખૂબ સુંદર છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!