ડીસા તાલુકાના ટેટોડા ખાતે સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું

પાલનપુર,
ખેડૂત તાલીમ કેન્દ્ર અને એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેટોડા ગૌશાળા ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૮૧ જેટલાં સ્ટોલ પર ખેડૂતોને લગતી વિવિધ ખેત પેદાશો અને ઓજારોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેને ખેડૂતોએ રસપૂર્વક નિહાળી ખેતી વિષયક માહિતી મેળવી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૦૫માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે અને વૈજ્ઞાનિક ઢબથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવતાં થાય તે માટે ખેડૂતોના ખેતરોમાં જઇ વૈજ્ઞાનિકો માર્ગદર્શન આપે છે પરિણામે ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે કહ્યું કે, ઇ.સ.૧૯૬૫માં આપણે ખાવાના અનાજની પણ આયાત કરવી પડતી હતી. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા નીતનવા સંશોધનોના પરિણામે આજે આપણે ખેત પેદાશોની નિકાસ કરીએ છીએ. સાંસદશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લો બાજરી, બટાકાના ઉત્પાદનમાં સમગ્ર રાજયમાં મોખરે છે અને હવે દાડમનું પણ હબ બન્યો છે. તેમણે કહ્યું કે ખેડુતોની આવક અને સુખાકારી વધારવા સરકાર સક્રિય અને સંકલ્પબધ્ધ છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ- ૨૦૨૨ સુધી ખેડુતોની આવક બમણી કરવાના સપનાને સરકાર કરવા આપણે સૌ કટીબધ્ધ બનીએ. ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં ગુજરાતની મોડેલ સ્ટેટ તરીકે ગણના થાય છે જે આપણા સૌના માટે ગૌરવની બાબત છે એમ તેમણે જણાવ્યું હતું.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, છેલ્લા દોઢેક દાયકામાં આ સરકાર દ્વારા ખેડુતોના ભલા માટે સમર્પિત ભાવથી વિરાટપાયે કામગીરી કરવામાં આવી રહી છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ, રાહતો અને સહાયના આધારે ખેડુતોને સમૃધ્ધ બનાવવા પરિણામદાયી કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ૭ હજાર ખેડૂતોને ટ્રેકટર ખરીદવા માટે સરકારે સહાય આપી છે અને ખેતીના અન્ય ઓજારો ખરીદવા માટે પણ કરોડો રૂપિયાની સહાય આપી છે એમ તેમણે કહ્યું હતું. સાંસદશ્રીએ કહ્યું કે, તાજેતરમાં દેશના ૬ કરોડ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાનશ્રીએ રૂ. ૧૨ કરોડની જંગી રકમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જમા કરાવી છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડુત અને પશુપાલકોએ વૈશ્વિક સ્તરે જિલ્લાનું નામ રોશન કર્યુ છે. સાંસદશ્રીએ કહ્યું કે ખેડુતોને સિંચાઇ માટે પાણી, વીજળી, ટપક અને ફુવારા પધ્ધતિ માટે સબસીડી, રાસાયણીક ખાતરો, બિયારણો, ખેતીના સાધનો માટે સબસીડી, પશુપાલન સહાય વગેરે ઉદારતાથી આપવામાં આવે છે. તેમણે ખેડુતોને અનુરોધ કરતા જણાવ્યું કે, વિકાસના આ યુગમાં આધુનિક ખેત પધ્ધતિઓ, સુધારેલા બિયારણો, ટપક અને ફુવારા પધ્ધતિ તથા માર્કેટીંગ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આયોજનપૂર્વક ખેતી કરીએ તો તે નફાકારક બને છે. પ્રગતિશીલ ખેડુતોના ખેતરો પર જઇ પ્રેરણા મેળવી આગળ વધવા જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સમયથી ગુજરાત સરકાર ખેડુતોના હિતની ચિંતા કરી ઉદાર યોજનાઓ અમલી બનાવી છે. તેમણે કહ્યું કે પશુપાલનના વ્યવસાયમાં માતા-બહેનોનું વિશેષ યોગદાન છે. માતા-બહેનોની અથાક મહેનત-મજુરીને લીધે આજે બનાસ ડેરી સમગ્ર એશિયામાં નંબર વનનું સ્થાન શોભાવે છે. તેમણે કહ્યું કે ખેડુતોના હિત અને કલ્યાણને વરેલી રાજય સરકાર ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાનું પાણી, વીજળી, સબસીડી અને કૃષિ મેળાનું આયોજન કરે છે. તેમણે કહ્યું કે ચીલાચાલુ ખેત પધ્ધતિઓ છોડી વૈજ્ઞાનિક અભિગમ અને આયોજનથી ખેતી કરી વર્ષ-૨૦૨૨માં આવક બમણી કરી આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સપનું સાકાર કરવામાં સહભાગી બનીએ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ ખેડુતોને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને આવક મેળવવા અપીલ કરી હતી. તેમણે ગુજરાતના ખેડુતોની સરાહના કરતાં જણાવ્યું કે અહીંના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે. પ્રારંભમાં સ્વાગત પ્રવચન આત્માના પ્રોજેકટ ડાયરેકટરશ્રી એચ. જે. ઝિન્દાલે કર્યુ હતું અને આભારવિધિ નાયબ ખેતી નિયામકશ્રી બી. એન. પટેલે કરી હતી. આ કૃષિ મેળામાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉકાજી ઠાકોર, ટેટોડા ગૌશાળાના મહંતશ્રી રામરતનજી મહારાજ, કૃષિના કાર્યપાલક નિયામકશ્રી આર.બી.માલવીયા, સંયુક્ત ખેતી નિયામકશ્રી પી. ડી. રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી. કે. પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી જે. બી. સુથાર, આત્માના અધિકારીશ્રી તેજલ શેઠ, શ્રી ભાસ્કરભાઇ મહેશ્વરી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યાામાં ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિાત રહ્યા હતા.