વિચરતી વિમુક્ત જાતિના વિવિધ પ્રશ્નો માટે ઝાડેશ્વર સરકીટ હાઉસ ખાતે લક્ષ્મણભાઈ પટણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક

ભરૂચ
વિચરતી અને વિમુક્ત જાતિના લોકોના સર્વાંગી વિકાસ થાય તે હેતુસર ગુજરાત વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં વસતા વિચરતી વિમુક્ત જાતિના વિવિધ પ્રશ્નો માટેની એક બેઠક આજરોજ ઝાડેશ્વર સરકીટ હાઉસ ખાતે નિગમના અધ્યક્ષશ્રી લક્ષ્મણભાઈ પટણીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતિ) શ્રીમતિ રક્ષાબેન પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં વિચરતી વિમુક્ત જાતિના આગેવાન ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અધ્યક્ષશ્રી લક્ષ્મણભાઈ પટણીએ વિચરતી અને વિમુક્ત જાતિ વિવિધ યોજનાઓની વિસ્તૃત છણાવટ સાથે સમજ આપી હતી. તેમણે પ્રિમેટ્રીક શિષ્યવૃત્તિ અને ગણવેશ, પોષ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ, પંડિત દિન દયાળ આવાસ યોજના, ડૉ. આંબેડકર પ્રિમેટ્રીક શિષ્યવૃત્તિ, સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના, તકનિકી અને વ્યવસાયીક અભ્યાસક્રમ માટેની સ્વામી વિવેકાનંદ યોજના, બેંકેબલ યોજના, આર્થિક ઉત્કર્ષ માટે લોન સહાય યોજના, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના તથા ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમની વિવિધ ધિરાણ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. અધ્યક્ષશ્રીએ કેન્દ્ર – રાજ્ય તેમજ નિગમની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેની વિસ્તૃત જાણકારી આપી હતી.
અધ્યક્ષશ્રી પટણીએ વિચરતી અને વિમુક્ત જાતિના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓના સર્વાંગી વિકાસ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ સ્વનિર્ભર થવાનો ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત વિચરતી વિમુક્ત જાતિના લોકોને વ્યસનથી દુર રહેવા, અંધશ્રધ્ધામાંથી બહાર તથા ખોટી બદિઓમાંથી બહાર નીકળવા, દિકરા-દિકરીઓને ફરજીયાત ભણાવવા, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા, જેવી બાબતોએ જરૂરી સમજણ આપી આ દિશામાં આગળ આવવા ખાસ હિમાયત કરી હતી. સંપ, એકતા અને સહકારની ભાવના કેળવવા પણ જણાવ્યું હતું. તેમણે યોજનાઓનો લાભ લેવા માટે આપણે જાગૃત બનવું પડશે અને એ જવાબદારી આપણી સૌની છે. તેમણે બહેનોને ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની પણ હિમાયત કરી હતી.
આજની આ બેઠકમાં દેવી પૂજક ભાઈઓએ જંબુસર શહેર અને તાલુકાના જુદા-જુદા વિસ્તારમાં વસવાટ કરતાં વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણાં પ્લોટ, આવાસ, સરકારી જમીન પર વર્ષોથી કબજો જે તેનો દસ્તાવેજ કરી આપવા, જિલ્લામાં બાળકોને ભણવા હોસ્ટેલ બનાવવા તથા રાવળ સમાજ દ્વારા યોજનાકીય લાભ માટે જે ઓનલાઈન ફોર્મ ભરવા પડે છે તેની જગ્યાએ મેન્યુઅલ કરવા, જિલ્લામાં સમાધીસ્થાન માટે જમીન ફાળવવા, જાતિનો દાખલો સરળતાથી મળે તે અંગે તેમજ વાલી સમાજ દ્વારા બી.પી.એલ. માં નામ સામેલ કરવા અંગે, યોજનાકીય લાભો મળવા જેવા વિવિધ પ્રશ્નોના અધ્યક્ષશ્રીએ હકારાત્મક જવાબ આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.