ડાંગના ગલકુંડ,પીપલદહાડ અને શામગહાન ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

આહવા
ડાંગ જિલ્લાના આહવા,વધઈ અને સુબીર તાલુકાના ગલકુંડ, શામગહાન અને પીપલદહાડ ગામે દિવાળીબેન ટ્રસ્ટ,બારડોલી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમેરિકાના વયસ્ક ડોકટરોએ પોતાની સેવા આપી હતી. ૬ જાન્યુઆરીએ ગલકુંડ ખાતે યોજાયેલા કેમ્પમાં કુલ-૬૭૮ દર્દીઓએ લાભ લીધો હતો. ૭ મી જાન્યુઆરીએ શામગહાન ખાતે યોજાયેલ કેમ્પમાં ૫૨૬ લાભાર્થીઓ અને ૮મી જાન્યુઆરીએ પીપલદહાડ ગામે યોજાયેલા કેમ્પમાં ૬૧૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. ત્રણે કેમ્પમાં ૨૬ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે, ૭ દર્દીઓને શારિરીક સર્જરી માટે અને ૧૨૭ દર્દીઓને અન્ય ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યા હતા. તમામ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. ટ્રસ્ટીઓએ યુવા સંયોજકો રાજેશ પટેલ,બનેશ ચૌધરી અને ગંગારામ ચૌધરીનો આભાર માન્યો હતો.