મહિલાઓ શારીરિક-માનસિક રીતે સક્ષમ અને મજબૂત બને તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ – લીલાબેન અંકોલિયા

લુણાવાડા,
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરક નેતૃત્વ હેઠળ ગુજરાત રાજય મહિલા આયોગ દ્વારા દીકરીઓ અને મહિલાઅને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવે અને જુદી જુદી સંભવિત અસુરક્ષિત પરિસ્થિતિઓ વિશે જાગૃત થાય તે માટે કવચ કાર્યક્રમ પાયલોટ પ્રોજેકટ તરીકે રાજયના તમામ ૩૩ જિલ્લાઓની ૩૩ શાળાઓમાં શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાની સી.એમ.દેસાઇ હાસ્કૂલની પસંદગી થતાં આજે તેનો આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ પ્રારંભ કરાવ્યો હતો. શ્રીમતી અંકોલિયાએ તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા આયોગની રચના કરી હતી તેની જાણકારી આપી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મહિલાઓની સાથે થતાં અન્યાય અને અત્યાચારના નિવારણ માટે કાર્યરત મહિલા આયોગની સક્ષમ બનાવવાની સાથે દીકરીઓ અને મહિલાઓ આત્મરક્ષણ માટે પ્રેરાય તે માટે કવચના માધ્યથી દીકરીઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ બનાવવાની દીશામાં આ પહેલ કરી હોવાનું કહ્યું હતું. ઉપરાંત તેમણે ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષાએ વર્તમાન સમયમાં મહિલાઓની સુરક્ષાની સાથે મહિલાઓ શારીરિક-માનસિક-આર્થિક-સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ અને મજબૂત બને તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ હોવાનું કહ્યું હતું. તેમજ દીકરીઓ અને મહિલાઓ સામે થતાં અત્યાચારના નિવારણ માટે રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ૧૮૧ હેલ્પ લાઇન અને એપનો ઉપયોગ કરવા દિકરીઓને સમજ આપી રાજયમાં આ હેલ્પ લાઇન એપનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હોવાનું જણાવ્યું હતું.
શ્રીમતી અંકોલિયાએ રાજયમાં ૨૭૦ નારી અદાલતો કાર્ય કરી રહી છે જે રાત-દિવસ સતત મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી હોવાનું જણાવી દીકરીઓને સમજ શકિત કેળવવા અને માનસિક રીતે સુસજજ થવા શીખ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દીકરીઓને શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. શિક્ષણથી જ સમાજનો અને રાજય-રાષ્ટ્રનો વિકાસ થશે તેમ જણાવી કોઇપણ લોભ-લાલચમાં ન આવી જવાની શીખ આપી હતી. શ્રીમતી અંકોલિયાએ દીકરીઓ તેમની મૂંઝવણો જણાવી શકે તે માટે શાળામાં એક પીરિયડ રાખી દીકરીઓની માનસિક સ્થિતિ અને મુશ્કેલીઓ જાણવાનો શિક્ષકોએ પ્રયાસ કરવા સૂચન કર્યું હતું. કવચ કાર્યક્રમ અંતર્ગત આવેલ ટીમ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને ગુડ ટચ – બેડ ટચ વિશે જાણકારી આપી કોઇપણ પરિસ્થિતમાં કેવી રીતે કામ કરવું જોઇએ તેની સમજ આપી આત્મરક્ષણ માટે તાલીમબધ્ધ થવાની શીખ આપી હતી. આ ઉપરાંત દીકરીઓ અને મહિલાઓને ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો તેવા સંજોગોમાં માતા-પિતાની સાથે સૌ પ્રથમ પોલીસને પણ જાણ કરવાની શીખ આપી હતી આમ કરવાથી ગણતરીના સમયમાં પોલીસ તમારૂં રક્ષણ કરી શકશે. દીકરીઓને પોતાના સ્વરક્ષણની સાથોસાથ દીકરીઓ અને મહિલાઓ માટેના કાયદાઓ છે તેનાથી પણ માહિતગાર રહેવા સુચવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન દીકરીઓને કેવી કેવી પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્વરક્ષણ કરવું જોઇએ તે અંગેનું તે અંગેનું માર્ગદર્શન આપી દીકરીઓ સ્વરક્ષણ માટે સજાગ બને તેમજ જયારે દીકરીઓએ પણ કેવા સંજોગોમાં અને કઇ પરિસ્થિતિમાં કેવી રીતે પોતાનો સ્વ બચાવ કરવા અંગેનું નિદર્શન રજૂ કર્યું હતું.
આ પ્રસંગે વિરપુર કેળવણી મંડળના પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઇ મહેતા, મંત્રીશ્રી દિલીપભાઇ શુક્લ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પીનાકીનભાઇ શુક્લ, વિરપુર ગ્રામ પંચાયત સરપંચશ્રી દિપીકાબેન સોની, સહીત અગ્રણીઓએ દેશની ૧૦૦ શક્તિશાળી મહીલાઓમાં સમાવેશ થવા બદલમહીલા આયોગના ચેરપર્સનશ્રીમતી. લીલાબેન અંકોલીયાનું ગૌરવની લાગણી સાથે અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં અધિક કલેકટર અને ગુજરાત રાજય મહિલા આયોગના સભ્ય સચિવ શ્રીમતી વીણાબેન પટેલ,જિલ્લા નારી અદાલતના શ્રી મુક્તીબેન જોષી, આચાર્યશ્રી કે.બી.પટેલ, કે.સી.શેઠ કોલેજના આચાર્યશ્રી સુજીત ત્રીપાઠી, શાળા પરીવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.