૨૭૦ નારી અદાલતો દ્વારા મહિલાઓના ૫૮ હજારથી વધુ પ્રશ્નોનું નિરાકરણ કરાયું – લીલાબેન અંકોલિયા

લુણાવાડા
મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ અને કાયદાકીય સમજ આપવા અંગે લુણાવાડા રાજપુત સમાજઘર ખાતે ગુજરાત રાજય મહિલા આયોગ અને મહીસાગર જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે બંધારણ દિવસની ઉજવણી અને મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતી નિમીત્તે આયોજીત નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિરને સંબોધતાં મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ મહિલાલક્ષી નિર્ણયો લેવાનું કામ સરકાર સાથે રહીને કડીરૂપ બનાવાનું કામ મહિલા આયોગ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ સમાજનું વાસ્તવિક ચિત્રનું નિરૂપણ કરી મહિલાઓને સચેત રહેવાની સાથે જાગૃત થઈ પોતાના બાળકો શું કરે છે તેની પણ કાળજી અને દેખરેખ રાખવાનું જણાવી મહિલાઓના હિતો અને સુરક્ષા માટે સરકાર અને મહિલા આયોગ કટિબધ્ધ હોવાનું કહ્યું હતું.
શ્રીમતી અંકોલિયાએ મહિલાઓને કાયદા વિશે સંપૂર્ણ જાણકારી મેળવવાની સાથે પોતે તેનાથી માહિતગાર થઇને અન્ય મહિલાઓને પણ તેની જાણકારી આપી મહિલાઓ માટેના કાયદાઓ અને હિતોની જાણકારીના અભાવે મહિલાઓને અનેક મુશ્કેલીઓ પડતી હોય છે તેમાંથી બહાર લાવવાનો અનુરોધ કર્યો હતો.
શ્રીમતી લીલાબેન અંકોલિયાએ રાજ્યની ૨૭૦ નારી અદાલતો દ્વારા મહિલાઓના હિતો અને સુરક્ષા માટે કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપતાં કહ્યું હતું કે, આ નારી અદાલતો દ્વારા મહિલાઓના વિવિધ ૫૮ હજારથી વધુ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. શ્રીમતી અંકોલિયાએ મહિલા આયોગમાં વિવિધ કેસોની છણાવટ કરી મહિલા આયોગ કેવી રીતે કામગીરી કરી રહ્યું છે તેની વિગતવાર રૂપરેખા આપી કાઉન્સિલીંગ દ્વારા કેવી રીતે કેસોમાં સુખદ સમાધાન લાવવામાં મહત્વની ભૂમિકા મહિલા આયોગ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. શ્રીમતી અંકોલિયાએ મહિલાઓને પોતાના હિતો અને રક્ષણ માટે સ્વયં જાગૃત થવું પડશે તેમ જણાવી મહિલાઓને જયાં પણ કામ કરતાં હોઇએ ત્યાં પોતાની મર્યાદામાં રહીને પોતાના કાર્યો અને ફરજો અદા કરવા જણાવ્યું હતું.
શ્રીમતી લીલાબેને મહિલાઓને દીકરો હોય કે દીકરી તેઓને ભણાવવાની સાથે સુરક્ષિત બનાવવાની દિશામાં આગળ આવવું પડશે તેમ જણાવી જો મહિલા જાગૃત હશે સમાજ શિક્ષિત હશે તો સમાજને કોઇ નારી અદાલત, કોર્ટ કે મહિલા આયોગની જરૂર પડશે નહીં તેવી આશા વ્યકત કરી હતી.
શ્રીમતી અંકોલિયાએ રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે મહિલાઓના સશકિતકરણ અને ઉત્થાન માટે અનેક વિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે તેની જાણકારી મેળવી તેનો લાભ લઇ સામાજિક-આર્થિક-શૈક્ષણિક રીતે પગભર થવા અનુરોધ કરી સમાજની અન્ય મહિલાઓને પણ આ યોજનાની જાણકારી આપી પ્રેરિત કરવા સુચવ્યું હતું.
શ્રીમતી અંકોલિયાએ મહિલાઓને ગર્ભ પરિક્ષણથી દૂર રહી સમાજમાં જે દીકરા-દીકરી વચ્ચે અસમતુલા જોવા ન મળે અને સમતુલા જળવાઇ રહે તે પ્રતિ જાગૃત રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડે ઉદ્દબોધન કરતાં મહિલા સશકિતકરણ ક્ષેત્રે રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપી આજે મહિલાઓ જયારે રમત-ગમત, આરોગ્ય, રોજગાર, રાજકીય એમ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે આ મહિલાઓની સુરક્ષા અને હિતોની જાળવણી અર્થે આવા સંમેલનો મહિલાઓ માટે માર્ગદર્શક બની રહેતા હોવાનું જણાવી મહિલાઓનો પોતાના હિતો, સુરક્ષા અને યોજનાથી માહિતગાર બનવા કહ્યું હતું.
મહિલાઓને સશકત બનાવવા માટે ભ્રૂણ હત્યા અટકાવવા માટે કાયદો અમલમાં લાવીને મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાનું કામ સરકાર કરી રહી હોવાનું જણાવી તાજેતરમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાનો ભારતની ૧૦૦ સશકત મહિલાઓમાં સમાવેશ થયો હોવાની જાણકારી આપી હતી. મોબાઇલ-ઇન્ટરનેટના યુગમાં દીકરીઓને સ્વબચાવ માટે જાગૃત કરવાનું સૂચન કરી નારી અબળા નહીં પણ સબળા તેમજ હોંશિયાર અને કાબિલ બને તે માટે મહિલાઓને તેમની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું. અગ્રણીશ્રી જે.પી.પટેલે આ પ્રસંગે મહિલાઓના હિતો માટે સરકાર અને મહિલા આયોગ કડીરૂપ ભૂમિકા અદા કરી રહી હોવાનું જણાવી દીકરી જન્મે ત્યાંથી શરૂ કરીને તેને સશકત બનાવવા સુધીની સરકારની વિવિધ યોજનાઓ જેવી કે શિશુ, પોષણ, કસ્તૂરબા, પ્રધાનમંત્રી માતૃવંદના, વન સ્ટોપ જેવી અનેકવિધ યોજનાઓ વિશે જાણકારી આપી આજે જયારે આ સંમેલનમાં મહિલાઓ માટેના કાયદાઓ અને યોજનાઓ વિશેની જાણકારી આપણને પ્રાપ્ત થઇ રહી છે તે આપણા પૂરતી સીમિત ન રાખતા સમાજની અને ગામની મહિલાઓને પણ તેના વિશે જાણકારી આપવા સુચવ્યું હતું.
આ સંમેલનમાં અધિક કલેકટર અને ગુજરાત રાજય મહિલા આયોગના સભ્ય સચિવ શ્રીમતી વીણાબેન પટેલે મહીલા આયોગની કામગીરી વિશે માહિતી આપી હતી. બ્રાઇટ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી શીલ્પાબેન ડામોરે સ્વાગત પ્રવચન અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી મનહરભાઇ રોઝે આભાર દર્શન કર્યું હતું. આ સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ખાંટ, મહીલા અને બાળવિકાસ ચેરમેનશ્રી ગંગાબેન પગી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી, ડી.આર.ડી.એ નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ કલેક્ટરશ્રી નેહા ગુપ્તા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાભોર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી શિલ્પાબેન ડામોરતેમજ આઇ.સી.ડી.એસ.ની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.