પાટણના આંગણે ભક્તિમય માહોલ વચ્ચે શિવ પરમાત્માના શુભ આશીર્વાદથી ઉજવાયો દિવ્ય અલૌકિક પર્વ

- ચંદારાણા પરિવારની જાનકી અને ભાવિકા એ લૌકીક પરિવારમાંથી વિદાય લઈને અલૌકિક પરિવારના બંધને બંધાયા
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ પાટણ શહેરના આંગણે પરમ પિતા પરમાત્મા શિવ બાબાના શુભ આશીર્વાદથી ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે દિવ્ય અલૌકિક પ્રભુ સમર્પણ સમારોહ પ્રસંગ ભક્તિમય માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો.
મૂળ હારીજ નિવાસી અને હાલમાં પાટણ ખાતે રહેતા મધુબેન જેન્તીભાઈ ચંદારાણા પરિવારની બે દીકરીઓ જાનકી અને ભાવિકા એ લૌકીક પરિવાર માંથી વિદાય લઈને આજે અલૌકિક પરિવાર સાથે પોતાના જીવનનો નાતો પરમપિતા શિવ પરમાત્મા સાથે બાંધતા સૌ પરિવારજનો એ બંને દીકરીઓને હસતા મોઢે અલૌકિક પરિવાર ના બંધને બાંધીને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
પરમ પિતા પરમાત્મા શિવ બાબાના શુભ આશીર્વાદથી મધુબેન જેન્તીભાઈ ચંદારાણા પરિવાર દ્વારા આયોજિત કરાયેલા આ દિવ્ય અલૌકિક પ્રભુ સમર્પણ સમારોહ પ્રસંગે મહેસાણા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ના પૂજ્ય સરલા દીદી, હારીજ સેન્ટરના કૈલાશબેન, ભાવનગર થી દિવ્યાબેન, સુરેખાબેન, યુએસએ થી ખાસ પધારેલા ડો. હંસાબેન તેમજ પાટણ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ના પૂજ્ય નિલમ દીદી, નીતા દીદી, સહિત પાટણના ઉત્સાહી અને જાગૃત ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કર તેમજ ઠક્કર સમાજ ના આગેવાનો નારણભાઈ ઠક્કર, જગદીશભાઈ ઠક્કર, આતુભાઈ ઠક્કર, આર. જી. ઠક્કર,સતિષભાઈ ઠક્કર સહિત ચંદારાણા પરિવાર ના સભ્યો,સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગોચિત ઉદ્બબોધન કરી જાનકી અને ભાવિકા ને શુભેચ્છાઓ સાથે અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા. અલૌકિક પ્રભુ સમર્પણના આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ શિવભક્તોએ સમૂહમાં પરમ પિતા પરમાત્મા શિવ બાબાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ : પ્રવિણ દરજી