દેશની લોકશાહીને મજબૂત બનાવવા લોકો ઉત્તમ નાગરિક બની પ્રયત્નો કરે તે જરૂરી : વિજય ખરાડી

દેશની લોકશાહીને મજબૂત બનાવવા લોકો ઉત્તમ નાગરિક બની પ્રયત્નો કરે તે જરૂરી : વિજય ખરાડી
Spread the love
  • દાહોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી, શ્રેષ્ઠ ચૂંટણીકર્મીઓનું સન્માન

તા. ૨૫-૦૧-૨૦૨૦-દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે અહીના ઝાલોદ રોડ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને યુવાનોને તેના મતદાર તરીકેની ફરજો બજાવી લોકશાહીને વધુ મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી હતી.  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિજય ખરાડીએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આ દેશ આપણો છે, લોકશાહી આપણી છે, ફરજો આપણી છે, ત્યારે જવાબદારી બીજાના શીરે નાખવાનું ટાળવું જોઇએ. જે રીતે દેશની વ્યવસ્થા છે, એ રીતે લોકશાહીને મજબૂત બનાવવા માટે યથોયોગ્ય પ્રયત્નો કરવા જોઇએ.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, લોકશાહીનું પ્રથમ કાર્ય ઉત્તમ નાગરિક બનાવાનું છે. લોકશાહીની શરૂઆત આપણાથી થાય છે. આપણે જો સારા નાગરિક બનશું, આપણે મતદાન કરશું. એ બાદ પરિવારજનોને પણ જવાબદાર બનાવશું ત્યારે જ આપણ લોકશાહીને પણ ઉત્તમ બનાવી શકશો. વિદેશના કેટલાક ઉદાહરણો આપી કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, વિદેશમાં શિક્ષણનું પ્રમાણ સો ટકા છે. ત્યાં મતદારો જાગૃત છે. મતદાનનું પ્રમાણ વધું છે. સાવ એવું પણ નથી કે માત્ર શિક્ષણથી જ સારો દેશ બને, માનવીય સહજ સમજથી પણ આપણે આપણા દેશને મહાન બનાવી શકશું.

નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવેએ કહ્યું કે, વર્ષ ૨૦૧૧થી રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવે છે. લોકશાહી દેશમાં રાજ્ય તંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિથી ચાલે છે. એથી ચૂંટવાની પ્રક્રીયામાં મતદારોનો મહત્વનો ફાળો છે. એથી પ્રત્યેક મતદાર મહત્વનો છે. ચૂંટણી પ્રક્રીયામાં મતદારો જાગૃત બની નૈતિક્તાથી ભાગ લે એ જરૂરી છે. તેમણે મતદાર નોંધણીની પ્રક્રીયા, સ્વીપ અંગે પણ માહિતી આપી હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કુંપાવતે કહ્યું કે, મતદાનએ લોકશાહી દેશનું અભિન્ન અંગ છે. એ જ રીતે ચૂંટણી પંચ પણ લોકશાહી દેશનું અભિન્ન અંગ છે. ચૂંટણી પંચની તટસ્થ અને નિષ્પક્ષતાને કારણે આપણે અનેક ચૂંટણીઓ યોજી શક્યા છીએ અને તેના કારણે એક શાંત અને સ્વસ્થ વાતાવરણ ઉભું થયું છે. ચૂંટણી પંચ એવા પણ પ્રયત્નો કરતા આવ્યું છે કે, કોઇ પણ સાચો, લાયક નાગરિક પોતાના મતદાનના બંધારણીય હક્કથી વંચિત ના રહે.

આ વેળાએ ચૂંટણી તંત્રના અધિકારીઓ દ્વારા ચૂંટણીલક્ષી ઉત્તમ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણીના આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર દાહોદ શ્રી,નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ ના કૉલેજ આચાર્ય શ્રી,આઇટીઆઇના આચાર્ય શ્રી કૌશિક કણઝારિયા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : જેની શૈખ

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!