વર્ષો જૂની વીરાણી હાઇસ્કૂલનું મેદાન વેચવા કાઢતા વિવાદ, ૧૧ ફેબ્રુઆરીએ સુનાવણી

રાજકોટ,
મુખ્યમંત્રી વિજય રૂપાણી, મનહર ઉધાસ, કરસન ઘાવરી સહિતના નામી ડોક્ટરો, વકીલો અને રાજકારણીઓ જ્યાં અભ્યાસ કર્યો તે વિરાણી હાઇસ્કૂલના મેદાનનો અમુક ભાગ વેચવા કાઢ્યો છે. પરંતુ કલેક્ટરે આ મેદાન વેચી ન શકાય તેવું જણાવ્યું હોવા છતાં ટ્રસ્ટીઓ દ્વારા મેદાન વેચવા કાઢ્યું છે જેને લઇને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ લડતના મંડાણ કર્યા છે. જમીન વેચાણમાં એક ટેન્ડર પણ આવ્યું છે જેને લઇને વિવાદ વધુ વકર્યો છે. ચેરિટી કમિશનર રાવલ સમક્ષ જમીન વેચાણ મામલે સુનવણી પણ શરૂ થઇ છે. જેમાં આગામી ૧૧ ફેબ્રુઆરીના રોજ વધુ સુનવણી હાથ ધરાશે.
રાજકોટની વિરાણી હાઇસ્કૂલની જમીનનો અમુક હિસ્સો રૂ.૫૧ કરોડમાં વેચવા કાઢતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા લડતના મંડાણ કરાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને વહીવટી તંત્રે સિટી મામલતદાર અને સિટી સરવે વિભાગનો રિપોર્ટ મગાવ્યા બાદ તેના આધારે વિરાણી હાઇસ્કૂલને શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવી હોય તેના વેચાણ પર રોક ફરમાવી દીધી છે અને તે અંગેની જાણ ચેરિટી કમિશનર કચેરીને કરી દેવામાં આવી છે. અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઇસ્કૂલની જમીન પ્રકરણમાં સિટી સરવે સુપ્રિન્ટેન્ડન્ટ અને સિટી મામલતદારનો રિપોર્ટ આવી ગયા બાદ સ્કૂલને શૈક્ષણિક હેતુ માટે સરકારે જમીન આપ્યાનું સ્પષ્ટ બન્યું હતું. આથી આ હેતુનો ભંગ થતો હોવાનું જણાતા વિરાણી સ્કૂલના સત્તાધીશોને જમીન વેચવા પર મનાઇ ફરમાવી દેવામાં આવી છે તેમજ આ અંગે ચેરિટી કમિશનર કચેરીને પણ જાણ કરી દેવાઇ છે.