ઉત્તરાયણમાં ફેંકી દેવાયેલી અધધ ૧૨ ટન દોરીનો જથ્થો એકઠો કરાયો

અમદાવાદ,
તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ આ વાત સત્ય છે કે અમદાવાદની એક સંસ્થાએ ઉત્તરાયણ દરમિયાન ફેંકી દેવાયેલી, ઝાડ પર લટકતી પતંગની દોરીનો ૧૨ ટન જથ્થો એકઠો કર્યો છે. લગભગ બે ટ્રક ભરાય એટલો આ સોલિડ વેસ્ટ જથ્થો આ સંસ્થા ખાનગી કંપનીને ગ્રીન ઈલેક્ટ્રીસિટી ઉત્પન્ન કરવા માટે આપશે. આમ તો, ઉત્તરાયણ દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ અલગ અલગ અભિયાન ચલાવીને પક્ષી બચાવો અભિયાન ચલાવે છે. પરંતુ અમદાવાદની એક સંસ્થા એવી છે જે ૨૦૧૧થી પક્ષી બચાવો અભિયાનની સાથે સાથે શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ પણ ચલાવે છે. આ સંસ્થા છે પર્સનલ આસિસ્ટન્સ પર્સનલ એટેન્શન જેને ટુંકમાં નામ આપવામાં આવ્યું છે.
આ સંસ્થાએ ડિસેમ્બર માસની શરુઆતથી અને જાન્યુઆરી માસના અંત સુધી એમ બે મહિના સુધી ચલાવેલા અભિયાનમાં શહેરમાં અલગ અલગ જગ્યાએથી ૧૨ ટનથી વધુ દોરીનો જથ્થો એકત્ર કર્યો છે. આ માટે સંસ્થાનાં ૯૫ વોલિએન્ટર્સ દ્વારા શહેરની ૩૦૦ જેટલી શાળાઓમાં જઈને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વોલિએન્ટર્સ સ્કૂલનાં બાળકોને પક્ષી બચાવવાની સમજ આપવાની સાથે સાથે પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય તેની સમજ આપી સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે રિડ્યુઝ, રિયુઝ અને રિસાયકલ વિશે વિસ્તૃતમાં સમજ આપી હતી.