લીંબડી એચએફએમ હોટલના પાર્કિંગથી કારનો કાચ તોડી ચોરી

- 70 હજારથી વધુના ઘરેણાં અને રોકડની ઉઠાંતરી : સિક્યુરિટીને લઈ સવાલો ઉઠયા
લીંબડી હાઈવે પર છાલીયા તળાવ નજીક આવેલી એચએફએમ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડી અંદર રાખેલા 70 હજારથી વધુ કિંમતના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ભાગી છૂટયા હતા. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચાલકે ફરિયાદ નોંધાવી હતી. લોકોએ હોટલની સિક્યુરિટીને લઈ અનેક સવાલો ઉઠયા છે. લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર છાલીયા તળાવ નજીક આવેલી એચએફએમ હોટલના પાર્કિંગમાં લીંબડી તાલુકાના રાસકા ગામના મહેશભાઈ ભીમજીભાઈ પટેલ તા.1 જાન્યુઆરીની રાત્રે 9થી 10 વાગ્યા વચ્ચે પોતાની ઈકો સ્પોટ કાર પાર્ક કરી હોટલમાં નાસ્તો કરવા ગયા હતા.
અજાણ્યા શખ્સોએ કારનો કાચ તોડી કારમાં રાખેલા 5,000 રૂપિયા રોકડા, કિંમતી સોનાના દાગીના સહિત 70,600 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે મહેશભાઈ પટેલે એચએફએમ હોટલના સ્ટાફને જાણ કરી હતી. પરંતુ કોઈએ કશું ધ્યાને નહીં લેતાં તેમને લીંબડી પોલીસ મથકે ચોરી કરનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા તા.24 ઓક્ટોબરે એચએફએમ હોટલના પાર્કિંગથી રાજકોટના હેમંતભાઈ વિરજીભાઈ ચૌહાણની કારનો કાચ તોડી તસ્કરો સોનાના દાગીનાની ઉઠાંતરી કરી ગયા હતા. એચએફએમ હોટલના પાર્કિંગમાં અવારનવાર બનતા ચોરીના બનાવોને લઈ સિક્યુરિટી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લીંબડી પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)