ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળામાં આનંદ મેળો

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન પટેલ તથા ગામના અગ્રણી જશવંતભાઈ પટેલના સંયુક્ત હસ્તે આ આનંદમેળાને રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શાળાના મુખ્ય શિક્ષક રમેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું. કે આનંદમેળો બાળકોનો પ્રિય કાર્યક્રમ છે. આ થકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારીક જ્ઞાન પણ કેળવાય છે. આ આનંદમેળામાં પાપડીચાટ, બટાકાવડા, ઢોસા, પકોડા, ભેલ, સેવપુરી, પાણીપુરી, બાઉલ્સ, આલુપુરી, મસાલાપાપડ, પાટુડી દહીપુરી જેવી અવનવી વાનગીઓના ૧૮ જેટલા સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા.
જેનો શાળાના બાળકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસાસ્વાદ માણ્યો હતો. સંગીતની મધુર સુરાવલી વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા શિક્ષકો સુમન પટેલ, અંકિતા પટેલ, આશા ખોલીયા તથા ચિરાગ પટેલે જહેમત ઉઠાવી હતી.એમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.