ડભોઇ કેવડીયા રેલવે લિંક પ્રોજેક્ટ: વડોદરા જિલ્લા વહીવટીતંત્રે જરૂરી જમીનોના સંપાદનનું ૮૪ ટકા કામ પૂરું કર્યુ

વડોદરા
રેલ્વે ભૂતળ પરિવહન એટલે કે સરફેસ ટ્રાન્સપોર્ટનું એક ચાવી રૂપ માધ્યમ છે. સ્વતંત્રતા પહેલા દેશમાં રેલ સેવાના પ્રારંભમાં વડોદરા મોખરે રહેવાનો ઉજ્જવળ ઇતિહાસ ધરાવે છે. હવે વડોદરા જિલ્લો રેલવેના ઇતિહાસની એક વધુ ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે. રેલવે રિવોલ્યુશન ગણાવી શકાય એવી અને પ્રધાનમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેકટની ઓળખ પામેલી બુલેટ ટ્રેનની સુવિધા વડોદરા જિલ્લામાં થઈને સાકાર થઈ રહી છે અને હવે રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત ગણાતી ડભોઇ કેવડીયા રેલવેનું મહત્વપૂર્ણ પ્રારંભિક કામ પણ વડોદરા જિલ્લામાં થઈ રહ્યું છે.
વડોદરા જિલ્લા વહીવટી તંત્રે આ ખૂબ અગત્યના પ્રોજેક્ટને સાકાર કરવામાં ખૂબ મહત્વનું યોગદાન આપતાં, આ પ્રોજેક્ટ માટે જિલ્લામાં જરૂરી જમીનો પૈકી ૮૪ ટકા જમીનોના સંપાદનનું કામ પૂરું કર્યુ છે અને સંબંધિત જમીન માલિકોને ગુમાવેલી જમીનોના વળતરના રૂપમાં રૂ.૧૭ કરોડથી પણ વધુ રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. આ સમગ્ર કામગીરી જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની દોરવણી અને દિશા નિર્દેશો હેઠળ ડભોઇ તાલુકાના ૧૪ જેટલા ગામોમાં ટોચ અગ્રતા સાથે ચાલી રહી છે. ડભોઇના પ્રાંત અધિકારી હિમાંશુ પરીખની આગેવાની હેઠળ સમગ્ર તાલુકા તંત્ર આ કામગીરી સમયસર અને સંતોષજનક રીતે પૂરી કરવાની કટિબદ્ધતા સાથે કાર્યરત છે.
એટલું જ નહિ રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટમાં સંપૂર્ણ સહયોગના અભિગમ સાથે એના કામોને ટોચ અગ્રતા આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને સ્થાપિત સીએમ ડેશબોર્ડ હેઠળ એના કામમાં પ્રગતિનું નિયમિત મોનીટરીંગ કરવાની સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. ડભોઇ કેવડીયા રેલ પથ પ્રોજેક્ટ માટે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની, ડભોઇ સહિત ફુલવાડી, ભાલોદરા, થરવાસા અને બગલીપુરા જેવા ૧૪ ગામોની કુલ ૬,૨૦,૪૯૮ ચોરસ મીટર જમીન સંપાદન કરવાની આવશ્યકતાની દરખાસ્ત રેલ્વે તંત્ર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી હતી એવી જાણકારી આપતાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, આ પૈકી ૫,૧૯,૨૦૭ ચો.મી.જમીનના સંપાદનના આદેશો કરી દેવામાં આવ્યા છે જે દર્શાવે છે કે જરૂરી જમીન પૈકી ૮૪ ટકા જમીનોના સંપાદનની કામગીરી પૂરી થઈ છે.સંબંધિત જમીન માલિકોને પ્રોજેક્ટ માટે આપેલી જમીનોના વળતર માટે રૂ.૧૭ કરોડ ૯૧ લાખ ૯૯ હજાર ૪૬૮ની રકમ ચૂકવવામાં આવી છે અને સંપાદિત જમીનોનો કબ્જો ઝડપથી મેળવવામાં આવી રહ્યો છે. ખેડૂત ખાતેદારો વિકાસ માટે જરૂરી આ જમીનના દાતા છે એવી સંવેદના સાથે વિવાદ ટાળી, સંવાદ, સમાધાન અને સંતોષના અભિગમ સાથે કામ કરવાનો માનવીય અભિગમ કારગર સિદ્ધ થયો છે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટ માટે બાકીની ૧૬ ટકા જેટલી એટલે કે ૧,૦૧,૨૯૧ ચો.મી.જમીન સંપાદન કરવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે પહોંચી ગઈ છે .આ જમીન સંપાદન કરવા માટેની જરૂરી પ્રાથમિક અને વૈધાનિક પ્રક્રિયાઓ સ્થાનિક સ્તરે પૂર્ણ કરીને, જમીન સંપાદન અધિનિયમની કલમ ૧૯(૧) હેઠળ આવશ્યક દરખાસ્ત રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે.આવી દરખાસ્તો મળ્યાના ૬૦ દિવસની નિર્ધારિત મુદત પછી મંજૂરીને પાત્ર બને છે. એટલે ૨૭ મી માર્ચના રોજ એને મંજૂરી મળવાની સંભાવના છે અને તેની સાથે આ મહત્વની કામગીરી પૂર્ણ થઈ શકશે.
અત્રે એ વાતની નોંધ લેવી ઘટે કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી એ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કુનેહસભર કામગીરી માટે કલેકટર અને ટીમ વડોદરાને જાહેર કાર્યક્રમમાં અભિનંદન આપ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એટલી જ કુનેહ અને નિષ્ઠા દાખવીને ડભોઇ કેવડીયા રેલ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનો સંપાદિત કરવામાં આવી રહી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશના અલ્ટીમેટ ડેવલપમેન્ટ નું પ્રતિક છે તો ડભોઇ થી કેવડિયાને જોડતો રેલ પથ દેશની અસ્મિતા જેવી સ્ટેચ્યુ ઓફ યુનીટી ની સરદાર પ્રતિમાને આખા દેશ સાથે રેલ માર્ગે જોડવાની પહેલ છે.આ પ્રોજેક્ટ દેશના અને વિશ્વના પ્રવાસીઓની સરદાર પ્રતિમા અને પ્રવાસન ધામ કેવડિયા સુધીની પહોંચને વધુ સરળ અને સુલભ બનાવશે. આ અગત્યના કામમાં સંકળાવવાનું વડોદરા જિલ્લા વહીવટી તંત્રને ગૌરવ છે.