૧૦૦ ટીમોની ઉપસ્થિતિમાં અરાવલી ટેરેન વેહિકલ ચેમ્પિયનશિપ શરૂ થશે

વડોદરા
ટેકનિકલ અને ઇજનેરીના વિદ્યાર્થીઓમાં વાહન નિર્માણની ક્ષમતા અને કૌશલ્યોને ઉત્તેજન આપવા ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રીય અરાવલી ટેરેન વેહિકલ ચેમ્પિયનશિપનું શહેરના સયાજીપુરા એપીએમસી પાસેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી આવતીકાલ શનિવાર તા.૧૫મી ફેબ્રુઆરીના રોજ સવારના ૧૧ વાગે ઉપરોક્ત સ્થળે, સાંસદ રંજનબહેન, ધારાસભ્યો અને વડોદરા મહાનગર પાલિકા તેમજ સહયોગી સંસ્થાઓના પદાધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનો પ્રારંભ કરાવશે. દેશમાં પ્રથમવાર, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રે એક અભિનવ પહેલના રૂપમાં યોજેલી આ સ્પર્ધામાં ૧૦૦ જેટલી દેશની, રાજ્યની અને વડોદરાની ટોચની ટેકનિકલ અને ઇજનેરી શિક્ષણ સંસ્થાઓની ટીમો ભાગ લઈ રહી છે જે તમામ પ્રકારના રસ્તાઓ અને વાતાવરણમાં ચાલી શકે એવા ખડતલ વાહનોના નિર્માણની કુશળતાનું નિદર્શન કરશે.