ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા ૨૦ ફૂટ ઉંચા ગેસના ફુવારા ઉડ્યા, મોટી દુર્ઘટના ટળી

સુરત,
વલસાડના તિથલ રોડ પર ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેથી ૨૦થી ૨૫ ફૂટ જેટલા ઉંચા ગેસના ફુવારા ઉડ્યા હતા. ઘટના બનતા ભરચક એવા તિથલ રોડ પર ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ગેસ કંપની અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી.
વલસાડના તિથલ રોડ પર આર એન્ડ બીની ચાલતી કામગીરીમાં બેદરકારી સામે આવી હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી જેસેબી ચાલક દ્વારા ગટર ખોદતી વખતે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેથી ગેસ લાઈન લીકેજ થતા ૨૦થી ૨૫ ફૂટ ઉંચા ગેસના ફુવારા ઉડ્યા હતા. ઘટના બનતા ભરચક એવા તિથલ રોડ પર ભાગદોડ મચી ગઈ હતી અને વાહનચાલકોમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. જાકે, ગેસ લાઈન તૂટતા સમગ્ર વલસાડ નો ગેસ પુરવઠો ઠપ થયો હતો. ઘટનાની જાણ થતા ગેસ કંપની અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગેસ બંધ કરી લાઈન રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી.