ટુ-વ્હીલરમાં નીચેના ભાગે વિદેશી દારૂ છુપાડી હેરાફેરી, બુટલેગરની ધરપકડ

ભરૂચ,
ભરૂચમાં પોલીસથી બચવા માટે બુટલેગરોએ દારૂની હેરાફેરીનો અનોખો કિમીયો અપનાવ્યો છે. ટુ-વ્હીલરની નીચેના ભાગે બોડીમાં દારૂ ભરીને બુટલેગર દારૂની હેરાફેરી કરતો હતો. ભરૂચની એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસને બાચમી મળી હતી કે, ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા મારવાડી ટેકરા પાસે રહેતા બુટલેગર હનિફ ઉર્ફે અનુ દિવાન દારૂની હેરાફેરી કરે છે. જેથી પોલીસે તેની અટકાયત કરીને તેની ટુ-વ્હીલરની તપાસ કરી હતી. આ દરમિયાન ટુ-વ્હીલરના નીચેના ભાગે બોડીની અંદર એક ખાનુ બનાવેલુ હતું. જેમાં વિદેશી દારૂ છુપાવેલો હતો. આ ઉપરાંત ટુ-વ્હીલરની ડેકીમાં પણ દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસ આ દારૂ જાઇને ચોંકી ઉઠી હતી. અને એક પછી એક અંદરથી ૨૫૦ દારૂના પાઉચ બહાર કાઢ્યા હતા.
પોલીસે બુટલેગર હનીફ ઉર્ફે અનુ દિવાનની દારૂ અને ટુ-વ્હીલર સહિતના ૬૦ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.