ઓલપાડ તાલુકાના ક્લસ્ટર રીસોર્સ સેન્ટર કરંજમાં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓમાં હોળી પર્વની ઉજવણી

ઓલપાડ તાલુકાના ક્લસ્ટર રીસોર્સ સેન્ટર કરંજમાં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓમાં હોળી પર્વની બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રાર્થનાસભામાં બાળકોને શાળાના શિક્ષકો દ્વારા પરંપરાગત આ હોળી પર્વનુ મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, પ્રદૂષણમુક્ત ભારતના સંકલ્પને ધ્યાનમાં લઇ સાત્વિક વાતાવરણ ઉત્પન્ન થાય એ હેતુસર વૈદિક હોળી પ્રગટાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઉજવણીના ભાગરૂપે બાળકોએ શાળા પટાંગણમાં રંગોની છોળો ઉડાડી મોજ માણી હતી. તેઓ ખૂબ જ આનંદકિલ્લોલ સાથે રંગોમાં તરબોળ થયા હતા. શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ધાણી, ચણા, ખજૂરની લ્હાણી કરવામાં આવી હતી. કરંજના સી.આર.સી. કો-ઓર્ડીનેટર વિજય પટેલ તેમજ કેન્દ્રાચાર્યા શ્રીમતી જાગૃતિબેન પટેલ અને શ્રીમતી મયુરીબેન સારંગે સૌને રંગોત્સવની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.