રાજકોટ શહેરમાંથી કારમાં છુપાવી લઇ જવાતી ૧.૧૭ કરોડની ચાંદી પકડાઈ

રાજકોટ શહેર જાબુવા નજીકથી શનિવારે સવારે પસાર થયેલી કારને પોલીસે અટકાવી હતી. પોલીસે કારચાલક રતલામના લાલારામની પૃચ્છા કરતાં તેણે કારમાં સોડા મશીન રતલામ લઇ જતો હોવાનું રટણ રટ્યું હતું. પરંતુ તેની વાત શંકાસ્પદ લાગતાં પોલીસે સોડા મશીન હટાવી તલાશી લેતા કારના પાછળના ભાગે ચોરખાનું મળી આવ્યું હતું. અને તે ખોલતા જ અંદરથી ચાંદીના દાગીનાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઇલેક્ટ્રિક વજન કાંટો મગાવી વજન કરતાં રૂ.૧.૧૭ કરોડ કિંમતની ૨૭૩ કિલો ચાંદીના દાગીના હોવાનું ખુલ્યું હતું. પોલીસે કારચાલક લાલારામ હેમરાજ ચૌહાણ અને તેના બે સાથીદાર પ્રહલાદ સમરથમલ અને ઘનશ્યામ કિશનલાલને સકંજામાં લઇ ચાંદીનો જથ્થો જપ્ત કર્યો હતો.
રાજકોટથી રતલામ ચાંદીના દાગીના લઇ જતાં હોવાનું રટણ રટ્યું હતું. જોકે પોલીસે બિલ માગતાં એક પણ પેઢીનું બિલ મળ્યું નહોતું. ચાંદીનો જથ્થો પોલીસે જપ્ત કરતાં રાજકોટના વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. અને બિલ એકત્રિત કરી પોલીસ સમક્ષ રજૂ કરવાની કવાયત શરૂ કરી હતી. રાજકોટમાં મોટા પાયે સોના ચાંદીનો વ્યવસાય છે. બિલવગરનો જથ્થો રોજ ભોપાલ ઈન્દોર અને રતલામ ૨૦૦ થી ૩૦૦ કિલો જાય છે. રાજકોટના કેટલાક અાંગડિયા સંચાલકો આ જ પ્રકારનું કામ કરે છે. અને તેઓ કિલોએ રૂ.૫૦ થી ૬૦ નો ચાર્જ વસૂલ કરે છે. કુરિયર સંચાલકો દુકાને દુકાન જઈને માલને કલેક્ટ કરે છે. અને જે તે સ્થળે જઈને ડિલિવરી કરે છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જે માલ પકડાયો છે તે કોઇ એક વેપારીનો પણ હોય શકે અથવા તો પાંચ થી છ વેપારીનો પણ હોય શકે છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)