ક્રુડમાં કડાકાને પગલે પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ઘટાડો

- જામનગરમાં પેટ્રોલનો ભાવ 67.73 થયો
વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવને લઈ તેલ ઉત્પાદન દેશો વચ્ચે વિરોધાભાસ રહેતા વૈશ્વિક બજારોમાં કાચા તેલના ભાવ ઘટ્યા છે. જેના કારણે હવે ઘરેલું બજારમાં પણ કાચા તેલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે પેટ્રોલનો ભાવ 2.69 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 2.33 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટ્યા છે. રિપોર્ટ પ્રમાણે બુધવારે અમદાવાદ ખાતે પેટ્રોલ રૂ.67.84 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ.65.94 રૂપિયા પ્રતિ લીટર સુધી બોલાઈ રહ્યા છે. જ્યારે આ પહેલા 1લી ફેબ્રુઆરીએ પેટ્રોલનો ભાવ લીટરે 70.52 રૂપિયા સુધી બોલાઈ રહ્યો હતો. જે 11 માર્ચે ઘટીને 67.84 રૂપિયા પ્રતિ લીટર સુધી થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થતા લોકોએ થોડો હાશકારો અનુભવ્યો છે.
આપને જણાવી દઈએ કે વિશ્વના પ્રમુખ તેલ ઉત્પાદક દેશોમાંથી એક સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે કાચા તેલના ભાવને લઈ વિરોધાભાસ સર્જાયો છે. જેના કારણે ઑઇલ પ્રાઇસ (Oil Price War) વૉર છેડાય એવી સ્થિતિ જોવાઈ રહી છે. આ કારણે સોમવારે કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં 31 ટકા સુધી તૂટ્યા હતા. જેના કારણે ઘરેલું માર્કેટમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા છે. રિપોર્ટ મુજબ ભારત પોતાની જરૂરિયાતના 84 ટકાથી વધુનું તેલ આયાત કરે છે. તેથી કાચા તેલના ભાવમાં ઘટાડો થતા દેશના ખર્ચમાં પણ ઘટાડો થશે અને લોકોના ખિસ્સા પર દબાણ હળવું થશે.
રોહિત આર. મેરાણી (જામનગર)