મહેસાણા પોલીસ પરિવારની બહેનો બની અન્નપૂર્ણા

- લોકડાઉનમાં મહેસાણા જિલ્લા પોલીસ પરિવારની બહેનો દ્વારા કમ્યુનિટી કિચનની શરૂઆત કરાઈ
મહેસાણા,
દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી અંતર્ગત સરકાર દ્વારા તા. ૨૫/૦૩/૨૦૨૦ થી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉનનો ચુસ્ત અમલવારીના ભાગરૂપે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના જાહેર બજારો, વાહન વ્યવહારો તથા નાના-મોટા ધંધા સંપૂર્ણપણે બંધ થયેલ છે. જેથી રોજેરોજ મજૂરીકામ કરતા અને રોજની કમાણી ઉપર જીવન ગુજારતા પરિવારના લોકોની પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસાણા પોલીસ પરિવાર દ્વારા કમ્યુનિટી કિચનની શરૂઆત કરવાનો અભિગમ અપનાવેલ છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનના સમયમાં મહેસાણા પોલીસ હેડકવાર્ટરની બહેનો દ્વારા પોલીસ અધિક્ષકશ્રી મનિષ સિંઘ મહેસાણાના વડપણ હેઠળ આ અભિયાન શરૂ કરાવ્યું અને પોલીસ પરિવારની બહેનો બન્ની અન્નપૂર્ણા.
પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં પોલીસ હેડકવાર્ટર ની બહેનોએ શ્રમિકો,જરૂરિયાતમંદો માટે કમ્યુનિટી કિચન શરૂ કર્યું છે. જેમાં રોજેરોજ ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા ફૂડપેકેટસ હેડક્વાર્ટરની બહેનો દ્વારા જાતે બનાવીને તૈયાર કરવામાં આવે છે. જેમાં પુરી-શાક, રોટલી-શાક જેવો પૌષ્ટિક ખોરાક જરૂરીયાત મંદોને મળી રહે તે માટે અન્નદાન અભિયાન શરૂ કરાવેલ છે તથા આ બનાવે ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહેલ છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ પેકેટસની સંખ્યા વધારાતી જશે. આ ફૂડ પેકેટ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉન કાર્યક્રમ દરમિયાન રોજે-રોજ સવાર-સાંજ બે ટાઈમ આપવામાં આવશે અને અન્નની જરૂરિયાતવાળા લોકોની જરૂરિયાત પુરી કરી પોલીસ પરિવારની બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક નવી પહેલ કરવામાં આવેલ છે.