કોરોના સામેની લડાઈમાં નારી સંરક્ષણની બહેનો માસ્ક બનાવીને દેશસેવાના કાર્યમાં જોડાઈ

- રોજના ૨૫૦ જેટલા માસ્ક બનાવીને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યા છે
સુરત
કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે ઓછામાં ઓછુ સંક્રમણ થાય તે માટે રાજય સરકાર તથા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખડેપગે રહીને અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સૂરત શહેરમાં ધનકુબેરોથી માંડીને અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ દ્વારા અનાજ કરીયાણુથી માંડીને કિટસ, ફુડ પેકેટ જરૂરતમંદો સુધી પહોંચાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. કોરાના સંક્રમણને રોકવા માટે ચહેરા પર બાંધવા માટેના માસ્ક અસરકારક સાબિત થયા છે.
આવા સમયે રાજય સરકાર હસ્તકની સૂરત મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળની નારી સંરક્ષણ ગૃહની બહેનોએ માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરવાનું બિડુ ઝડપ્યું છે. મહિલાઓ દરેક ક્ષેત્રે અવ્વલ છે. ત્યારે નારી સંરક્ષણની ૧૦ જેટલી બહેનો પણ માસ્કની કામગીરીમાં જોડાયને દેશ સેવાના ઉત્તમમાં જોડાય છે. ધોડદોડ ખાતે આવેલા ગૃહની બહેનો દ્વારા વિનામૂલ્યે માસ્ક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રના મેનેજર શ્રીમતિ પારૂલબેન બગડા જણાવે છે કે, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મટીરીયલ્સ પુરૂ પાડવામાં આવે છે. જેનાથકી અમારી બહેનો રોજના ૨૦૦ થી ૨૫૦ જેટલા માસ્ક બનાવી આપે છે. આ માસ્ક જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ સરકારી કચેરીઓમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. યુ-ટયુબ પર વીડીયો જોઈને બહેનોને માસ્કની તાલીમ આપી જેના થકી બહેનો ઈલાસ્ટિકવાળા માસ્ક બનાવે છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ જેટલા માસ્ક બનાવીને વિતરણ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.