જામનગરમાં ઓરકેસ્ટ્રાવેન સોસાયટીઓમાં જઇ લોકોનું મનોરંજન કરાશે
- પંદર દિવસથી ઘરમાં પૂરાયેલા લોકોનો જૂસ્સો વધારાશે
હાઈરાઈઝ બિલ્ડીંગોમાં બે રૂમના ફ્લેટમાં એક સપ્તાહ પણ પૂરાઈ રહેવું એ પડકારજનક છે. એમાંય જ્યારે એક સાથે ૩ સપ્તાહ સુધી ઘરબંધ થવાનું હોય ત્યારે ઘરમાં રહેતા લોકોમાં પણ જાતજાતની સમસ્યાઓ ઉભી થવાની શક્યતા છે. જામનગર જિલ્લાના સતાવાળાઓ પણ આ વાત સ્વીકારે છે અને એ માટે તેમણે તમામ સમસ્યાનો ઉકેલ સંગીતમાં શોધી લોકોનો જુસ્સો વધારવા નક્કી કર્યું છે. શહેરમાં દરરોજ સાંજે ઓરકેસ્ટ્રા વાન ફરશે અને જુદી જુદી સોસાયટીઓમાં જઈ લાઈવ એન્ડ પર્ફોમ કરી લોકોનું મનોરંજન કરશે. વહીવટી તંત્રે આ માટે ૬ કલાકારોનો સાથ મેળવ્યો છે. તે લાઈવ મ્યુઝીક પીરસવા સાથે તેમની સ્ટાઈલમાં કોરોના વિષે જાગૃતિ ફેલાવશે.
રહેણાંક સોસાયટીઓ નજીક રંગબેરંગી વાતાવરણ લોકોને પણ તેમની બાલ્કની, બારીઓ અને ટેરેસમાંથી પર્ફોમન્સમાં સામેલ થવા પ્રેરિત કરશે. જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે લોકો બેન્ડ સાથે ગાઈ પોતાના વાજિંત્રો પણ વગાડી શકશે અથવા બાકીનો આનંદ ઉઠાવી શકશે. નાની જગ્યામાં પુરાઈ રહેલા કેટલાય લોકોને ચોક્કસપણે કોઇ પ્રકારનાં કાઉન્સેલીંગની જરુર છે. આથી અમને ઓરકેસ્ટ્રાવેનનો વિચાર આવ્યો છે. મનોરંજન પીરસવા સાથે લોકોમાં હકારાત્મક ઉર્જા પેદા કરશે. લાઈવ એન્ડ પ્રેરણાત્મક અને દેશભક્તિના ગીતોથી માંડી પગ થિરકાન સાથે કલાકારો તમામ વયનાં લોકોને આકર્ષવા લોકપ્રિય ગીતો ગાશે. ઓરકેસ્ટ્રા વેન સાથે પોલીસ વેન પણ રહેશે જેથી લોકો પોતાના ઘરમાં જ રહે.
– રોહિત આર. મેરાણી (જામનગર)