અરવલ્લી તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર તાવની અલગ ઓપીડી શરૂ કરાશે
અરવલ્લી : સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ અને અટકાવ માટે જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા અસરકારક પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના ૧૯૯૮૯૨ લોકોની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. તેમ છંતા ખાસ તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રોપર તાવની અલગ ઓપીડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં અરવલ્લી જિલ્લામાં આવેલ ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૩૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મોડાસના એક અર્બન હેલ્થ સેન્ટર ખાતે તાવની અલગ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જેમાં બે દિવસ દરમિયાન ૧૭૦૦થી વધુ ઓપીડી નોંધાઇ હતી. જે પૈકી પ્રથમ દિવસે ૪૮ અને બીજા દિવસે ૧૮૯ મળી કુલ ૨૩૭ જેટલી તાવની ઓપીડી નોંધાઇ હતી. અરવલ્લી જિલ્લાના આરોગ્ય અને વહિવટીતંત્રની સતર્કતાથી જિલ્લામાં આરોગ્ય સજ્જતા માટે અસરકાર પગલા લેવામાં આવી રહ્યા છે.