ગુજરાત રાજ્યમાં પહેલી મે સ્થાપના દિન નિમિતે ઉજવણી રદ્દ

રાજ્યમાં સામાન્ય દિવસોમાં સરકાર દ્વારા અવારનવાર કોઇને કોઇ સમારંભો થતા રહેતા હોય છે. અત્યારે લોકડાઉન અને સરકારની નાણાભીડના કારણે કોરોના સિવાયના બધા જ કાર્યક્રમો બંધ છે. દર વર્ષે તા. ૧ મેના રોજ રાજ્યના સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અલગ અલગ જિલ્લામાં થતી હોય છે. આ વખતે સ્થાપના દિન લોકડાઉનના સમયમાં આવે છે તેથી તેની કોઇ જાહેર ઉજવણી કરવામાં આવશે નહિ. ત્યાર પછીના પરંપરાગત જાહેર કાર્યક્રમો અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. રાજ્ય સરકાર દ્વારા મોદી મુખ્યમંત્રી હતા તે વખતથી દર અખાત્રીજે અથવા તેની નજીકના દિવસમાં ખેડૂતો માટે કૃષિ મહોત્સવ યોજાતો હોય છે. શરૂઆતના વર્ષોમાં એક મહિના સુધી કૃષિ મહોત્સવ ચાલતો ત્યારબાદ અઠવાડિયાનો કૃષિ મહોત્સવ કરવામાં આવેલ.
છેલ્લા એક બે દિવસથી માત્ર એક દિવસ જ કૃષિ મહોત્સવ થતો આ વખતે અખાત્રીજ ૨૬ એપ્રિલે આવે છે. તે દિવસે લોકડાઉન યથાવત હશે. ૩ મે સુધી લોકડાઉન છે ત્યારબાદ લોકડાઉન ન લંબાય તો પણ સોશ્યલ ડીસ્ટન્સીંગની જરૂરીયાતને ધ્યાને રાખીને કૃષિ મહોત્સવ યોજાય તેવા અત્યારના સંજોગો નથી. જૂનાના પ્રારંભે ચોમાસુ શરૂ થઇ ગયેલુ ગણાય છે. કૃષિ મહોત્સવ બાબતે સરકારે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. દર વર્ષે જૂનના પ્રારંભે શાળા પ્રવેશોત્સવ યોજાય છે. ગયા વખતે વાવાઝોડાની પરિસ્થિતિના કારણે શાળા પ્રવેશોત્સવ થઇ શકેલ નહિ. આ વર્ષે પણ કોરોનાના કારણે શાળા પ્રવેશોત્સવ થવા વિશે હાલ અનિશ્ચિતતા જણાય છે. જો કોરોનાની પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો તેની અસર ૧૫ ઓગષ્ટની ઉજવણી પર પણ પડી શકે છે.