મજૂરો ભરેલી બસો ખડકી દેવાઈ પણ ટ્રેન ક્યારે આવશે કોઈને ખબર નહોતી

સાબરમતી રેલવે સ્ટેશન પર શનિવારે સાંજના ૬ વાગ્યાથી પરપ્રાંતિય મુસાફરો ભરેલી આશરે ૪૦ જેટલી બસો ઉભી કરી દેવામાં આવી હતી. જોકે રાતના ૧૧ વાગ્યા સુધી કોઇ ટ્રેન આવી નહોતી અને મુસાફરોને આ બસોમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. જેના કારણે હજારો મુસાફરોએ કલાકો સુધી ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. મોડી રાત સુધી અટવાયા સાબરમતી રેલવે સ્ટેશનેથી બીજી ટ્રેન રાત્રે ૯ વાગ્યા પછી દોડવવાની વાત હતી.
જેની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આશરે ૪૦ બસો ભરીને પરપ્રાંતિઓને સ્ટેશન પર ઉભા રાખી દેવામાં આવ્યા હતા. ટ્રેન ક્યારે આવશે તેની કોઈને પણ જાણ નહોતી આ અંગે જાણવા મળતી માહિતી મુજબ રાતના ૧૧ વાગ્યા સુધી તેઓને બસમાં જ બેસાડી રખાયા હતા. ટ્રેન ક્યારે આવશે તેની કોઈને પણ ખબર નહોતી. રેલવે તંત્ર અને કલેક્ટર કચેરી વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. આ અંગે કોઇ અધિકારી કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.