એ માતા ને હેપ્પી મધર્સ ડે જેણે 14 મહિનાની બાળકી થી અળગા રહી કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવી

- સ્ટાફ નર્સ નયનાબેન રાઠવાએ કોરોના વોર્ડની ફરજ સોંપાતા 14 માસની દીકરી ગાર્ગીને નજર થી દુર રાખી ફરજો અદા કરી…
વડોદરા,
મેં છેલ્લે તા.29મી એપ્રિલના રોજ સવારે મારી દીકરીને તેડી ને વ્હાલ કર્યું હતું….. નયનાબહેન યાદ કરતાં જણાવ્યું. તેઓ જી.એમ. ઈ.આર.એસ. હોસ્પિટલ, ગોત્રીમા સ્ટાફ નર્સ તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમની 14 માસની ઉંમરની દીકરી સહુને વ્હાલી લાગે એવી છે, પછી માતાના દિલનો એ ટુકડો હોય એ સ્વાભાવિક છે. જો કે રવિવારે મધર્સ ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે ગાર્ગી એની માતા થી લગભગ 90 કિમીના અંતરે છોટાઉદેપુર નજીક પુનિયાવાંટમાં આવેલી એમની સાસરીમાં હશે. નયનાબહેન ઈચ્છે તો પણ આ માતૃદિવસે ગાર્ગિને ખોળામાં લઈને વ્હાલનો વરસાદ કરી શકે તેમ નથી.
કારણ કે ગોત્રીની કોવીડ વિશેષ હોસ્પિટલમાં રોટેશન પ્રમાણે એમની 7 દિવસની ફરજો તો પૂરી થઈ ગઈ છે કિંતુ કોરોના પ્રોટોકોલ પ્રમાણે તેઓ ડયુટી પૂરી થયાના 7 દિવસના હોમ કવોરેંતાઈન માં હોવાથી ગાર્ગી કે ઘરના કોઈ સદસ્યને મળી શકે તેમ નથી. તેઓ ગોત્રી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહે છે જ્યાં એમના માતા ગાર્ગીની દેખરેખ રાખતા હતા.તેમના વગર ગાર્ગી ખૂબ જ મુંઝાતી હતી એટલે નાછૂટકે એને પુનિયાવાંટ દાદાના ઘેર મોકલી આપી છે.આમ, તેમણે માં ની મમતા અને ફરજના સાદ વચ્ચે અઘરી કહી શકાય તેવી સમતુલા જાળવી છે.
નયનાબહેન કહે છે કે રોટેશન પાળીને સહુને વારાફરતી કોવીડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી રહી છે. આ ફરજ સાત દિવસની હોય છે જે દરમિયાન પરિવાર ચેપમુક્ત રહે તે માટે હોસ્પિટલ પરિસરની હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે સરકારી નોકરી છે એટલે તેના ભાગરૂપે જે સોંપાય એ ફરજ બજાવવી જ પડે. 14 મહિનામાં પ્રથમવાર ગાર્ગી ને નજરો થી દુર રાખીને નોકરી કરવાનો પ્રસંગ આવ્યો પણ મને એની કોઈ ફરિયાદ નથી.
બીજું કે નર્સનું કામ સારવાર કરવાની સાથે દર્દીને, એના પરિવારને અને સમાજને આરોગ્યનું શિક્ષણ આપવાનું છે. હું લોકોને કોરોના થી બચવા દો ગજ દુરી પાળવાનું,સોશીયલ ડિસ્ટન્સ જાળવવાનું કહેતી હોઉં ત્યારે એનું ચુસ્ત પાલન કરવું એ મારી પહેલી ફરજ છે. કૉવિડ હોસ્પિટલના એન.આઇ.સી.યુ.માં તેમને ફરજ સોંપવામાં આવી હતી. તેઓ કહે છે કે પેશન્ટ કોરોના પોઝિટિવ છે એટલે એના થી દુર રહીએ એવી ભાવના ક્યારેય નથી થઈ. હોસ્પિટલમાં આવીએ એટલે ઇન્ચાર્જ સિસ્ટર એસાઇન્મેંટ આપે.તે પછી હેંડવોશ કરી, પી.પી.ઇ.પહેરી, બે ત્રણ જોડી હાથ મોજાં પહેરી સાવચેતી સાથે કામ કરીએ.
કોરોના પોઝિટિવ હોય કે શંકાસ્પદ, એ દર્દી છે અને એની સારવાર કરવી એ ફરજ છે એવી ભાવના રાખી એમનું બીપી, સુગર, તાપમાન માપવા મૂળ કામો અને તબીબની સલાહ પ્રમાણે સારવાર આપવાનું કામ ફરજ પરસ્તીની ભાવના રાખીને કરવાનું. એમને કેવી કેવી તકેદારી રાખવી અને સાવચેતી પાળવી એનું આરોગ્ય શિક્ષણ આપવાનું, આ બધાનો કોરોના વોર્ડની ફરજોમાં સમાવેશ થાય છે.
એમણે ખાનગી નોકરી પણ કરી છે. એમનું કહેવું છે કે મોંઘો ચાર્જ વસૂલતા એ દવાખાનાઓમાં એક નર્સને બે દર્દીઓની દેખરખ રાખવાની હોય છે. સરકારી દવાખાનાઓમાં બે થી વધુ,અને આવા રોગચાળામાં ઘણાં વધુ દર્દીઓની કાળજી લેવાની હોય છે. દરેકને યોગ્ય ન્યાય આપવા અમે પ્રયત્ન કરીએ છે. તેમ છતાં, ઘણાં દર્દી કે એમના સગાં વ્હાલા પરિસ્થિતિ સમજ્યા વગર ગેર વર્તન કરે ત્યારે દુઃખ થાય છે અને સારું વર્તન કરે ત્યારે ખૂબ પ્રોત્સાહન મળે છે.જો કે લોકોની સમજણ વધતી જાય છે એની સાથે વર્તનમાં સૌમ્યતા આવતી જાય છે.
નયનાબહેન ના પતિ પણ સરકારી હોસ્પિટલમાં કામ કરે છે. એમની નોકરી પુનિયાવાંટ પાસે રાયસિંગપુરા ના સરકારી દવાખાનામાં છે. આમ, ગાર્ગી ને માતા પાસે એકલી મૂકીને કોવીડ વોર્ડની બે અઠવાડિયાની ફરજિયાત જુદાઈ માંગી લેતી ફરજો બજાવવી ખૂબ અઘરું કામ હતું. એમણે માં ની મમતાનું નિયમન અને નિયંત્રણ કરીને ફરજો અદા કરી જાણે કે મધર્સ ડે ની ઉજવણી ને સાર્થક કરી છે. આમેય, સ્ત્રીઓમાં મમતાનો જે ભાવ હોય છે એના લીધે જ કદાચ આ વ્યવસાય એમને વધુ માફક આવે છે. કદાચ કહી શકાય કે લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખાતા આદ્ય નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલ ભલે સદેહે જીવતાં ના હોય પણ પ્રત્યેક નર્સ બહેનમાં એમનો અંશ આજે પણ જીવંત છે. કદાચ નર્સ બહેનોના જીવનનો પ્રત્યેક દિવસ મધર્સ ડે હોય છે.