૧૨ લાખ કરોડ રૂપિયાનું દેવું કરશે કેન્દ્ર સરકાર…?
કેન્દ્ર સરકારે બજેટ ૨૦૨૦-’૨૧ના અંદાજિત ૭.૮૦ લાખ કરોડ રૂપિયાના માર્કેટ બોરોઇંગ સામે એ વધારીને ૧૨ લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.આ જાહેરાતને કારણે બજારમાં બૉન્ડના યીલ્ડમાં વધારો થઈ શકે એવી શક્યતા છે.કોરોના વાઇરસને લીધે ચાલી રહેલા લૉકડાઉનને કારણે કરની આવકમાં જંગી ઘટાડો થયો છે અને બજારમાં ચાલી રહેલી ઊથલ પાથલને કારણે ૨.૧૦ લાખ કરોડ રૂપિયાનો ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ પણ પૂર્ણ થઈ શકે એમ નથી. આ ઉપરાંત દેશમાં આર્થિક મંદી ઝળૂંબી રહી છે એટલે ગરીબ વર્ગ માટે જાહેર કરેલા ૧.૭૦ લાખ કરોડ રૂપિયાના પૅકેજ ઉપરાંત હજી પણ નાણાં અને મધ્યમ ઉદ્યોગો તથા અન્ય પ્રકારની સહાય જાહેર કરવી પડે એમ છે.
આમ સરકારી ખર્ચમાં અપેક્ષિત વધારાને કારણે કેન્દ્ર સરકારે બજારમાંથી વધારાનાં નાણાં દેવા તરીકે ઊભાં કરવાની ફરજ પડી છે.વધારાનાં નાણાં ઊભાં કરવાનો મતલબ એ થયો કે કેન્દ્ર સરકાર હવે નાણાખાધ વધે એવું આકલન કરી રહી છે. બજેટ ૨૦૨૦-’૨૧માં ખાધ ૩.૫ ટકા રહેશે એવી ધારણા હતી, પણ હવે આ વધુ ૪.૨૦ લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉપાડવાના હોવાથી ખાધ ૫.૫ ટકા રહે એવી ધારણા છે.વ્યાજના દર પર દબાણ વધશેજ ભારતના ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ પુષ્કળ નાણાપ્રવાહિતાને કારણે ૫.૯૮ ટકા થઈ ગયા છે, પણ હવે વધારાની રકમ બજારમાંથી કેન્દ્ર સરકાર ઉપાડવાની હોવાથી યીલ્ડ વધી શકે છે.સામાન્ય રીતે બજારમાં જ્યારે વધારે માત્રામાં બોરોઇંગ થાય એટલે બૉન્ડના ભાવ ઘટે છે અને યીલ્ડ વધે છે એટલે યીલ્ડ વધવા જોઈએ.
રિઝર્વ બૅન્ક સીધાં જ સરકારી બૉન્ડ ખરીદે તો એને ખાધને મૉનેટાઇઝ કરી કહેવાય. ૧૯૯૮ના વર્ષ સુધી ભારતમાં સરકારનું બોરોઇંગ આ રીતે જ ચાલતું હતું. અત્યારે એવી વ્યવસ્થા છે કે સરકાર બૉન્ડ બહાર પાડે અને બૅન્કો એની ખરીદી કરે છે. જો એકસાથે ૧૨ લાખ કરોડ રૂપિયાની રકમ કેન્દ્ર સરકાર વર્તમાન વ્યવસ્થા અનુસાર બૅન્કો પાસેથી ઊભી કરે તો બજારમાં લિક્વિડિટી પર અસર પડી શકે છે. ખાનગી ક્ષેત્રોમાં ધિરાણ અટકી શકે છે અને એની અસરથી વ્યાજના દર પણ વધી શકે છે. રિઝર્વ બૅન્ક સીધા જ સરકારનાં બૉન્ડની ખરીદી કરે તો યીલ્ડ પર કોઈ મોટી અસર થાય નહીં, પણ આને માટે કેટલી માત્રામાં સરકાર અને રિઝર્વ બૅન્ક આ રીતે ખાધનું ફન્ડિંગ સીધું કરે છે કે નહીં એ વિશે વિચારવું રહ્યું. કેન્દ્ર સરકારની આવક ઘટે અને ખર્ચ વધે એટલે સરકારનું બોરોઇંગ વધે એ નક્કી જ હતું