ઉત્તર પ્રદેશ જવા નીકળેલી શ્રમિક ટ્રેન ઓડિશા પહોંચી ગઇ

હાલ શ્રમિકોને તેમના મુળ ગામ કે ઘર સુધી પહોંચાડવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જોકે આ દરમિયાન રેલવેના અનેક છબરડા પણ સામે આવી રહ્યા છે. મજૂરોનું કહેવું છે કે તેઓએ મુંબઇથી ગોરખપુર જવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો ઉપયોગ કર્યો હતો, જોકે આ ટ્રેને અમને ગોરખપુરના બદલે ઓડિશામાં લાવી મુક્યા છે.
કલાકોની મુસાફરી બાદ પણ અટવાયેલા મજૂરો
આ અંગેનો એક વીડિયો પણ વિપક્ષ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે એક ટ્રેન જૈનપુર જવાની હતી ને વારાણસી પહોંચી ગઇ હતી. રેલવેના આવા અનેક છબરડા હાલ સામે આવી રહ્યા છે જેને પગલે પહેલાથી જ પરેશાન મજૂરો કલાકોની મુસાફરી બાદ પણ અટવાયેલા રહે છે. એટલુ જ નહીં મુસાફરોનો આરોપ છે કે આ ટ્રેનોને વચ્ચે કલાકો સુધી ઉભી રાખી દેવામાં આવે છે જેને પગલે મજૂરો તેમના સંતાનો અને મહિલાઓએ લાંબા સમય સુધી ભોજપ પાણી વગર બેસી રહેવું પડે છે.
ગરમીમાં વધુ પરેશાન
એમાં પણ હાલ તાપમાન વધુ રહે છે જેને પગલે તેઓ ગરમીમાં વધુ પરેશાન થઇ રહ્યા છે. અંતે કંટાળીને મજૂરો હંગામો કરે છે અને પ્રશાસન સમક્ષ પોતાની માગણી સાથે વિરોધ પણ કરી રહ્યા છે. એક ટ્રેન ગોરખપુર જવાને બદલે ઓડિશા પહોંચી ગયાના આરોપો થયા હતા. બીજી ટ્રેન જૌનપુર જવાની હતી પણ વારાણસી પહોંચી ગઇ હતી. જેને પગલે આ ટ્રેનમાં સવાર મુસાફરોએ ભારે હંગામો કરી દીધો હતો.
ટ્રેનને કલાકો સુધી રોકી રાખવાને કારણે મુસાફરો ભારે પરેશાન
જ્યારે વારાણસી અને ડીડીયુ જંક્શન (મુગલસરાય) વચ્ચે ટ્રેનને કલાકો સુધી રોકી રાખવાને કારણે મુસાફરો ભારે પરેશાન થઇ ગયા હતા અને અનેક મજૂરો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા હતા અને ભારે હંગામો મચાવી દીધો હતો. સાથે જ અન્ય ટ્રેકો પર આવતી જતી ટ્રેનોને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ટ્રેન બીજે વળી જતા મજૂરો બીજે પહોંચી ગયા
મહારાષ્ટ્રના પનવેલથી અનેક મજૂરોને લઇને રવાના થયેલી ટ્રેન જૌનપુર જવાની હતી પણ વચ્ચે રસ્તામાં તેને દિનદયાલ જંકશન તરફ વાળી દેવામાં આવી, તેથી ટ્રેન વારાણસી થઇને કાશી સ્ટેશન પર પહોંચી ગઇ હતી. આ પ્રકારની બેદરકારીને કારણે મુસાફરો કલાકો સુધી પરેશાન થયા સાથે તેમના પર અકસ્માતનું પણ જોખમ રહેલું હતું.