રાજ્યમાં તીડના નિયંત્રણ માટે સરકાર સુસજ્જ છે : કૃષિ પ્રધાન

અમદાવાદ: રણતીડ એવી આંતરરાષ્ટ્રીય જીવાત છે. જેના ટોળા હજારો માઇલ દૂરના દેશોમા જઇ ખેતી પાકોને મોટું નુકસાન કરે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સૌપ્રથમ રણતીડની હાજરી તા.૦૮/૦૫/૨૦ રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મીઠા વિચારણ ગામમાં જોવા મળ્યા હતા. .ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૦૯ જીલ્લા જેવા કે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી ના કુલ ૧૨ તાલુકાના ૩૧ ગામોમાં તીડ જોવા મળ્યા છે. રાજયના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યુ હતું કે,રાજયના અમુક વિસ્તારોમાં તીડ છુટા છવાયા ટોળામાં જોવા મળ્યા છે.
રાજયમાં હાલ તીડ પ્રભાવિત વિસ્તારમાં અંદાજિત સરેરાશ ૧૫૦ થી ૨૦૦૦ પ્રતિ હેક્ટર તીડની સંખ્યા જોવા મળેલ છે. આ તીડ પ્રભાવિત વિસ્તારમાં કોઇ પાકને નુકસાન થયું નથી એટલે રાજયના ખેડૂતો એ સહેજપણ ગભરાવાની જરૂરર નથી સંભવિત તમામ પ્રકારની પરિસ્થિતિને પહોચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સુસજ્જ છે. તા.૦૮/૦૫/૨૦૨૦ થી તા.૨૧/૦૫/૨૦૨૦ સુધી રાજ્યમાં કુલ ૨૭૬ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો, જેમાં ૯૯૨૫ હેક્ટર વિસ્તાર સર્વે કરવામાં આવેલ. સર્વે દરમ્યાન કુલ ૧૯૦ હેક્ટર વિસ્તારમાં રણ તીડની હાજરી જોવા મળેલ હતી.