જગાણા ગામના ર્ડા. મિતુલ ચૌધરી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે કોવિડ-૧૯નો મુકાબલો કરે છે

પાલનપુર
આપણા દેશ સહિત સમગ્ર દુનિયાના દેશો કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહ્યા છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા સરકારની સુચના પ્રમાણે ર્ડાકટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ જવાનો સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ અથાક મહેનત કરી રહ્યા છે. કોરોના સંક્રમણથી સંક્રમિત પોઝીટીવ રિપોર્ટ ધરાવતા દર્દીઓ સાજા થઇ પોતાના ઘરે પરત જાય તે માટે દિવસ-રાત સરકારી હોસ્પીટલોમાં ર્ડાકટરો અને નર્સો ખુબ સરસ સારવાર આપી રહ્યા છે. પોઝીટીવ રિપોર્ટ ધરાવતા દર્દીઓને યોગ્ય સારવાર મળતાં મોટા પ્રમાણમાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવી રહ્યા છે. કોરોનાને હરાવનાર દર્દીઓને નવી જિંદગી મળી હોય એમ તેઓ ર્ડાકટરો અને મેડીકલ સ્ટાફનો આભાર પણ માને છે.
આજે આપણે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામના વતની અને હાલમાં એલ.જી.મેડીકલ કોલેજમાં કોરોના સંક્રમિત દર્દીઓના ટેસ્ટીંગની મહત્વની કામગીરી કરી રહેલા કોરોના વોરીયરશ્રી ર્ડા. મિતુલ ચૌધરીની. ર્ડા.મિતુલભાઈ જશુભાઈ ચૌધરી જેઓ પોતે એલ.જી.મેડીકલ કોલેજ અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગની ખુબ જ જોખમકારક કામગીરી પોતાની ફરજના ભાગરૂપે કરી રહ્યા છે. તેમણે પાલનપુરની વિદ્યામંદિર સ્કુલમાં ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કર્યા બાદ અમદાવાદની એલ.જી.મેડીકલ કોલેજમાં ર્ડાકટર તરીકે ભરતી થયા અને આજે કોવિડ-૧૯નો મક્કમ મનથી મુકાબલો કરી રહ્યા છે. ર્ડા.મિતુલ ચૌધરીની સેવા માટે જગણા ગામ પણ ગૌરવ અનુભવે છે.
કોવિડ-૧૯ની કામગીરી વિશે વાત કરતાં ર્ડા. મિતુલ ચૌધરીએ જણાવ્યું કે, અમને મેડીકલ કોલેજમાંથી સુચના મળે તે પ્રમાણે અમારે જુદા જુદા સ્થળોએ જઈને કોવિડ-૧૯ના રિપોર્ટ લેવાના હોય છે. અમારે પહેલાં અર્બન હેલ્થ સેન્ટર પર જવાનું હોય છે પછી ત્યાંથી જણાવ્યા મુજબ ફિલ્ડમાં જઇ શંકાસ્પદ જણાતા વ્યક્તિઓના સેમ્પલ લેવાના હોય છે. તેમણે કહ્યું કે અમે એક દિવસના સરેરાશ ૪૦ થી ૫૦ જેટલાં સેમ્પલ લઇએ છીએ. સેમ્પલ લેતાં સમયે પીપીઇની કીટ પહેરીને ગરમીમાં પરસેવે રેબઝેબ થઇ જવાય તેવી સ્થિતિમાં છેલ્લા બે મહિનાથી સેમ્પલ લેવાની કામગીરી કરીએ છીએ. ર્ડા. મિતુલે કહ્યું કે તબીબી વ્યવસાયમાં ઝંપલાવ્યા પછી લોકોની સેવા એ જ અમારું મુખ્ય લક્ષ હોય છે, એટલે જ અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે કોરોનાને હરાવવા કટીબધ્ધ છીએ. તેમણે જણાવ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા અને રાષ્ટ્રર સેવા માટે આપણે સૌએ સમર્પિત ભાવથી કામ કરવાની જરૂર છે. આજે દેશનો પ્રત્યેક વ્યક્તિ કોરોના વોરીયર બની આ બિમારી સામે લડવા સજ્જ બને તે આજના સમયની માંગ છે.