વિશ્વ પર્યાવરણ દિવસે હાલારમાં વિરોધાભાસ: વાલસુરામાં વૃક્ષો વાવ્યા, ખંભાળિયામાં ખાત્મો

- નૌ સેનાના જવાનોએ વૃક્ષો વાવ્યા, વહીવટી તંત્રએ રોડ બનાવવા કાપી નાખ્યા
કાર્યરત ભારતીય નૌસેનાના પ્રમુખ વિધુતીય પ્રશિક્ષણ સંસ્થાન આઇએનએસ વાલસૂરામાં શુક્રવારે વિશ્વ પર્યાવરણ દિવસની જૈવિક વિવિધતાને કેન્દ્રમાં રાખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં 63 સ્થાનિક પ્રજાતિના 610 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સંસ્થાની વૃક્ષ શાળામાં 300 વૃક્ષની કલમ લગાડી રોપાનું વિતરણ કરાયું હતું. આ તકે વાલસુરા જવાનો અને તેના પરિવારજનોએ શ્રમદાન કરી પ્લાસ્ટિક સહિતનો કચરાની સફાઇ કરી હતી.
જીઆઇડીસી 7 કોમન પ્લોટમાં 2000 વૃક્ષનું વાવેતર કરાશે
દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા વર્ષ 2019માં વિશ્વ પર્યાવરણ દિવસના જીઆઇડીસી ફેસ 2 અને 3 માં 17 કોમન પ્લોટ તથા જાહેર રસ્તા ઉપર 3800 વૃક્ષોનું વાવેતર કરી માવજત કરવામાં આવી હતી. જ્યારે વર્ષ-2020માં 7 કોમન પ્લોટમાં ફેન્સીંગ અને ગેટ બનાવી 2000 વૃક્ષ અને માર્ગો પર 1000 પિંજરા બનાવે વૃક્ષોનું વાવેતર અને માવજત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયાના ઘી નદી પાસે થી દ્વારકા જતા રસ્તા પર 45-50 વર્ષ જુના એવા વૃક્ષો હતા
ખંભાળિયાના દેવરીયાથી દ્વારકાના કુરંગા સુધીનો રોડ ફોરલેન બનાવવા રસ્તા પરના બન્ને તરફ હજારો વૃક્ષ ધરાશાયી કરીને કાપી નખાતા પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઇ છે. ખંભાળિયામાં ઘી નદી પાસેથી દ્વારકા જતા રસ્તા પર 45-50 વર્ષ જુના એવા વૃક્ષો હતા કે ઉનાળામાં ત્યાંથી વાહન લઈને નીકળતા કે પગપાળા લોકો છાંયડામાં બેસી જતા હતા. આ ઘેઘુર વૃક્ષ પણ કાપી નખાય છે. હંજ રાખડી, વડત્રા, કુવાડિયા, વિરમદળ રોડ, મોવાણ પાટીયા પાસે સહિતના વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)