એમ્બ્યુલન્સ લાઇટના અજવાળે સગર્ભાને 108 ટીમે કરાવી સફળ પ્રકૃતિ

લાલપુર તાલુકાના મેમાણા વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક મહિલા રાત્રે પ્રસુતિની પીડા ઉપડતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા પહોંચેલા 108ની ટીમે પ્રસૂતાને પ્રસવની પીડા વધી જતા તેને પારખી એમ્બ્યુલન્સને લાઇટના અજવાળે સફળ ડીલીવરી કરાવી હતી. ત્યારબાદ માતા અને નવજાતને સ્થાનિક દવાખાને ખસેડાયા હતા. લાલપુર તાલુકાના મેમાણા વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના સર્ગભા ગીતાબેન કમલેશભાઇ ભુરીયા નામની મહિલાને ગત તા.4ના રોજ રાત્રે પ્રસૂતિની પીડા ઉપડતા પરિજનોએ 108ની ટીમને કોલ કર્યો હતો.
જે સંદેશો મળતા રણજીત સાગર રોડ ખાતે 108ના ઇએમટી વિશાલભાઇ ગોહિલ અને પાયલોટ અનિરૂધ્ધસિંહ ચુડાસમા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જોકે, પ્રસૂતાને અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો જયારે વીજળી પણ ડુલ થઇ હતી. આ વેળાએ ટીમે એમ્બ્યુલન્સની લાઇટના અજવાળે પ્રસૂતાને સફળ ડીલીવરી કરાવી હતી. જે બાદ માતા, નવજાત બાળકને પ્રાથમિક સારવાર બાદ તાકિદે લાલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.108 ટીમના આ સરાહનીય કાર્યની શ્રમિક પરિવારે આવકારી હતી.
– રોહિત આર. મેરાણી (જામનગર)