જગત મંદિરની આવકમાં 70 ટકાનો ઘટાડો

• લોકડાઉનમાં દર્શનાર્થીઓ માટે મંદિર અઢી માસ બંધ હતું
કોરોના વાયરસના કહેર દરમિયાન સરકાર દ્વારા લોકોને આરોગ્યને ધ્યાનમાં રાખીને દેશના તમામ મુખ્ય મંદિરોને ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકાના મુખ્ય મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. માત્ર મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા ભગવાનના તમામ નિત્ય સેવાનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. દ્વારકાધિશના દર્શન માટે આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થતાં જગત મંદિરની આવકમાં પણ 70% જેટલો ઘટાડો નોંધાયો હતો.
જગત મંદિરની આવક સામાન્ય દિવસોમાં બે લાખ રૂપિયાથી વધુની છે. લોકડાઉનને કારણે યાત્રિકોની સંખ્યામાં ઘટાડો તેમજ ગુજરાત રાજ્ય બહારથી આવતા યાત્રિકો ટ્રેન દ્વારા આવે છે. હાલમાં દ્વારકા આવતી ટ્રેન સેવાઓ પણ બંધ હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો આવતા નથી. દ્વારકાધીશ મંદિરની આવકમાં કૂલ ત્રણ વિભાગને વહેચવામાં આવે છે. કુલ 100%ની આવક માંથી 83% મંદિર પુજારી પરિવાર પાસે રહે છે. આ 83% આવકમાંથી પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશની તમામ સેવા, પૂજા, આરતી અને ભોગ સામગ્રીમાં ઉપયોગ કરે છે. 15% દ્વારકાધીશ દેવસ્થાન સમિતિમાં જાય છે અને 2% ચેરિટી કમિશનરમાં જમા કરવામાં આવે છે. મંદિર પુજારી મુરલી ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું કે ઠાકોરજીની સેવા ક્રમમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવતી નથી.
– રોહિત આર. મેરાણી (જામનગર)