અરવલ્લીના પશુપાલકો આનંદો: હવે ટોલ ફ્રી નં.૧૯૬૨ પર કોલ કરો અને પોતાના પશુની ઘરઆંગણે નિઃશુલ્ક સારવાર મેળવો

- અરવલ્લી જિલ્લામાં ૦૫ મોબાઇલ પશુ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ
- અરવલ્લીના ૯ લાખથી વધુ પશુધનને એમ્બ્યુલન્સને સેવાનો લાભ મળશે
મોડાસા,
સમગ્ર રાજ્યના પશુપાલકોને ઘરઆંગણે તેમના પશુઓની વિનામૂલ્યે સારવાર મળી રહે તે રાજય વ્યાપી પ્રારંભ કરાયેલા મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત અરવલ્લી જિલ્લાને ફાળવવામાં આવેલી ૦૫ મોબાઇલ પશુ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પરમાર અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતમાં જિલ્લા પંચાયત કચેરી ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજ્યના પશુપાલકોને સરળતાથી ઘરઆંગણે નિ;શુલ્ક પશુ સારવાર મળી રહે તે હેતુથી GVK સંચાલિત પી.પી.પી મોડેલથી ૧૦ ગામદીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લાને પ્રથમ તબક્કામાં ૦૫ મોબાઇલ પશુ દવાખાનારૂપે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ છે. આ યોજનાથી પશુપાલકો ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર ફોન કરી પાલતું પશુઓ માટે ૩૬૫ દિવસ ઘરઆંગણે નિ;શુલ્ક પશુસારવાર કરાવી શકશે.
પશુપાલકો માટે આશીર્વાદરૂપ સમાન આ યોજના અંગે જણાવતા જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ચૌહાણે કહ્યુ હતું કે, પશુ પાલકોને હવે પોતાના પશુઓને દવાખાના સુધી લાવવા-લઈ જવામાં પડતી મુશ્કેલીઓ દૂર થતા આ નિ:શુલ્ક સેવાથી પશુઓની સારવાર ઘરબેઠાં કરાવી શકશે. જેનાથી અરવલ્લી જિલ્લાના ૯. ૨૦ લાખ પશુધનને લાભ મળશે.
કરૂણા એમ્બ્યુલન્સના પ્રસ્થાન વેળા એ ભિલોડાના ધારાસભ્ય શ્રી ડૉ.અનિલ જોષીયારા,બાયડના ધારાસભ્ય શ્રી જશુભાઇ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા સહિત પશુપાલન વિભાગના સ્ટાફગણ ઉપસ્થિતિ રહ્યા હતા.
- જિલ્લાના કયા કયા ગામોને લાભ મળશે??
ધનસુરા તાલુકાના રમોસ, આમોદ્રા, જસવંતપુરાકંપા, કિડી, જાલમપુર, કાશીપુરા, રામપુરા(વડાગામ) કનાલ, કંજોડીયા અને કિશોરપુરા
ભિલોડા તાલુકાનાં ટાકાટુકા, પાદરા, કલ્યાણપુરા, જાયલા, ઉબસલ,બોલુન્દ્રા, મઠ, કમઠાડીયા, બાવળીયા અને વજાપુર
માલપુર તાલુકાના અણિયોર, કોઠી, પરપોટીયા, ડામોરના મુવાડા, કોઠીયા, વાડીનાથના મુવાડા, ખલીકપુર, વાકાનેડા,સુવરચાર અને વિરણીયા
બાયડ તાલુકાના રણેચી, રડોદરા,કાદવીયા, ટોટુ, લાલપુર, હેમાત્રાલ,જુમાત્રાલ, દહેગામડા, સીમલજ અને નાંભેલા
મોડાસા તાલુકાના મોટી ઇસરોલ, નાની ઇસરોલ, જીતપુર, સુરપુર,માધુપુર,રાજલી, ભીલકુવા, વાઘોડીયા, ઉમેદપુર અને જીવણપુરના ગામના પશુપાલકોનો સમાવેશ થાય છે.