NCP મહીલા પ્રમુખ રેશ્મા પટેલ અને પોલીસ વચ્ચે દંડ મામલે બબાલ

અમદાવાદ: ગીતામંદીર ટ્રાફિક પોલીસ બુથ પાસે બુધવારે સવારે NCPના મહીલા પ્રમુખ રેશ્મા પટેલ અને ટ્રાફીક પોલીસ વચ્ચે દંડ મામલે બોલાચાલી અને ઘર્ષણ થતાં મામલો કાગડાપીઠ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જો કે બંને પક્ષે સમાધાન થતાં પોલીસે નોંધ કરી તમામને જવા દીધા હતા. ગીતામંદીર ટ્રાફિક બુથ પર બુધવાર સવારે પોલીસે બે યુવકોને રોકી હેલ્મેટ સહિતના ટ્રાફિક નિયમન ભંગ બદલ રૂ.2 હજાર દંડ ભરવાનું કેહતા યુવકોએ NCPના મહીલા પ્રમુખ રેશ્મા પટેલને ફોન કર્યો હતો. પોલીસે ફોન પર જવાબ ના આપતા રેશ્મા પટેલ ટ્રાફિક બુથ પર પહોંચી ગયા હતાં. રેશ્મા પટેલની દલીલ હતી કે, પોલીસ ખોટી રીતે દંડ વસુલ કરે છે. જે યુવકોને ગીતામંદીર પાસે રોક્યા તે જ યુવકો પાસેથી આગળના ચાર રસ્તે પોલીસે રૂ.200નો દંડ લીધો પણ મેમો આપ્યો ન હોતો. બાદમાં આજ યુવકોને પોલીસે ગીતામંદિર પાસે રોકી રૂ.2 હજાર દંડ માગ્યો હતો.
રેશ્મા પટેલે તમે ટાર્ગેટ પુરા કરવા છોકરાઓને રોકીને દંડ ના વસુલો બીજી તરફ પોલીસે અમે અમારું કામ કરીએ છીએ તેવી દલીલ કરી હતી. રેશ્મા પટેલે આ મામલે વીડીયો ઉતારી હેલ્મેટ વગર જતાં અન્ય વાહનચાલકોને રોકવા અને દંડ વસુલ કરવા પોલીસ ને જણાવ્યું હતું. જે અભિયાનમાં પોતે પણ પોલીસ સાથે જોડાશે તેમ કહ્યું હતું. આ મુદ્દે પોલીસ અને રેશ્મા પટેલ વચ્ચે ઘર્ષણ વધતાં પોલીસે કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો તો બીજી તરફ પોલીસ જવાનોના અયોગ્ય વર્તન અંગે રેશ્મા પટેલએ મહીલા હેલ્પ લાઈનમાં ફોન કર્યો હતો. કાગડાપીઠ પોલીસે સ્થળ પર જઈ રેશ્મા પટેલ સહિતના લોકોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જો કે, આ મામલે પોલીસે જવાબ લઈ સમાધાન થતાં તમામને જવા દીધા હતા.
રેશ્મા પટેલએ જણાવ્યું કે, “પોલીસ ટાર્ગેટ પુરા કરવા કોલેજીયન યુવકોને નિશાન બનાવે છે. હું જે યુવકો માટે ગઈ તે લોકોએ હેલ્મેટ ન હોવાથી એક વાર ટ્રાફીક પોલીસને રૂ.200 દંડના આપ્યા હતા પણ પોલીસે તેમણે મેમો ના આપ્યો બાદમાં ફરી ગીતામંદિર પાસે આ યુવકોને રોકી પોલીસે રૂ.2 હજાર દંડ માગ્યો હતો. આ બાબત સમજાવવા પ્રયાસ છતાં પોલીસે મારી વાત ના સાંભળી મારી સાથે અયોગ્ય વર્તન કરતા મેં મહિલા હેલ્પ લાઈનમાં ફોન કર્યો હતો.”
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ.સિંહ એ જણાવ્યું હતુ કે, “કંટ્રોલ મેસેજને પગલે બંને પક્ષોને પોલીસ સ્ટેશને લાવ્યા હતા. જો કે તેઓ વચ્ચેનો વિવાદ દૂર થતાં બંનેને સમાધાન કરી તેઓને જવા દીધા હતા.”