સુનિતાએ ભાંગરો વાટ્યો, ‘સરકારે નિયમ બનાવ્યાં, બાકી માસ્કની જરૂર જ નથી’

- કુમાર કાનાણીનાં પુત્ર સાથે માથાકૂટ કરનાર સુનિતા યાદવ ફરી વિવાદમાં
- પોલીસ અને મીડિયાકર્મીઓ સાથે માથાકૂટ કરતો VIDEO વાયરલ થયો હતો
- માસ્ક માત્ર ફોર્માલિટી માટે પહેર્યું છે, કારણ કે સરકારે આદેશ કર્યો છે : સુનિતા યાદવ
કરફ્યુ દરમિયાન રાજ્યનાં આરોગ્ય મંત્રી, તેમના પુત્ર અને તેના મિત્રો સાથે માથાકૂટ કરનારી સુનિતા યાદવ (Sunita Yadav) ફરીથી ચર્ચામાં આવી છે. સુરત શહેર પોલીસની લોકરક્ષક સુનિતા યાદવ (Sunita Yadav) ભલે કાયદાની મોટી-મોટી વાતો કરતી હોય પણ તેની અસલિયત હવે સામે આવી રહી છે. સુરતમાં લોકોને માસ્ક પહેરવાની સુફિયાની સલાહ આપનારી સુનિતા યાદવનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સુનિતાએ વીડિયોમાં જણાવ્યું કે, “માસ્ક માત્ર ફોર્માલિટી માટે પહેર્યું છે, કારણ કે સરકારે આદેશ કર્યો છે. બાકી તો માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. જ્યાં ગરમી હોય ત્યાં કોરોના તો શું કોરોનાનો બાપ પણ ત્યાં ના આવે.”
રાજ્યનાં આરોગ્ય મંત્રી અને તેમના પુત્રને કાયદાના પાઠ ભણાવવાના મુદ્દે વીડિયો વાઇરલ કરનારી સુનિતા યાદવ ફરી ચર્ચામાં આવી છે. સુનિતા યાદવ ભલે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની સુફિયાની સલાહ આપતી હોય, પરંતુ સુનિતા યાદવે માસ્ક પહેરવાને લઇ વિવાદિત નિવેદન આપ્યું છે. જેનાથી તેની માનસિકતા છતી થાય છે.સિંઘમ બનેલી સુનિતા યાદવે પોલીસ અને મીડિયાકર્મીઓ સાથે કરી હતી માથાકૂટ
સુનિતાએ રાજસ્થાનનાં જેસલમેરથી પોતાના fb પર લાઈવ કરીને જણાવ્યું કે, “મે માસ્ક નથી પહેર્યું, કેમ કે મે જાણીજોઇને માસ્ક ઉતારી રાખ્યું છે. કેમ કે આપ જાણતા હશો કે કોરોના કયા કારણોસર થાય છે. જ્યાં ગરમી હોય છે, જેસલમેરમાં જે તાપમાન છે ત્યાં કોરોના તો શું કોરોનાનો બાપ પણ, કોરોનાથી મોટી બીમારી પણ ના આવી શકે. અહીં કોઇ માસ્ક નથી પહેરતું. ગરમીમાં લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી. ત્યાં એટલી એટલી ગરમી છે કે માસ્ક પહેરી શકાય તેમ નથી. લોકો અહીં માસ્ક નથી પહેરતાં. કારણ કે અહીં એટલી ગરમી છે કે કોરોના તો શું કોરોનાનો બાપ પણ અહીં નહીં આવી શકે. તેને કહ્યું હતું કે, માસ્ક માત્ર ફોર્માલિટી માટે પહેર્યું છે. કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે નિયમ-કાનૂન બનાવ્યાં છે, સરકારે જે આદેશ કર્યો છે એટલાં માટે માસ્ક પહરેવું પડે છે બાકી તો માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી.”
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે દેશમાં જ્યારે અનલોક-2 ચાલી રહ્યું હતું તે સમયે સુરતમાં 11 જુલાઇનાં રોજ કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલી બબાલની એક ઘટના સામે આવી હતી. આ ઘટનામાં કુમાર કાનાણીનાં પુત્ર પ્રકાશ કાનાણી અને તેના મિત્રો તેમજ કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે માથાકૂટ થઇ હતી. જેનો ઓડિયો અને વીડિયો બંને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. આ ઘટના બાદ સુનિતા યાદવ સતત વિવાદમાં આવતી રહી છે. જેમાં તેને મીડિયાકર્મીઓ સાથે પણ ગેરવર્તણૂંક કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે એક વાર ફરી તેનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેને માસ્ક પહેરવાને માત્ર એક ફોર્માલિટી જ ગણાવી છે.