સુરતના તક્ષશિલા અગ્નિ કાંડના હજું ન્યાય મળ્યો નથી
અમદાવાદ: સુરતના સરથાણા તક્ષશિલા આર્કેડ દુર્ઘટના બાદ હજી પણ તંત્રની ઊંઘ ઉડી ન હોય તેમ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં કોવિડના દર્દીઓના મોત થયા છે. અમદાવાદની ભીષણ આગે સુરતીઓને તક્ષશિલાની યાદ અપાવી દીધી છે. ૨૦૧૯ના મે મહિનામાં લાગેલી આગમાં ૨૨ માસૂમોના મોત થયાં હતા. માસૂમોના મોત બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. આગના ૧૫ મહિના બાદ વાલીઓ સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી રહ્યાં છે. તેમ છતાં ન્યાયથી હજુ વંચિત હોય તેમ આરોપીઓને જામીન મળી રહ્યાં છે. આ જામીન મેળવેલા પાલિકાના અધિકારીઓને ફરી નિમણૂક પણ અપાઈ રહી છે. ત્યારે અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગતાં ફરી તંત્ર સામે પાલિકાના ફાયરબ્રિગેડમાં ચાલતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી હોય તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે
તક્ષશિલા દુર્ઘટનામાં મોતને ભેટેલી ગ્રીષ્માના પિતા જયસુખભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, તક્ષશિલા દુર્ઘટનામાં અમે અમારા સંતાનો ગુમાવ્યા છે. આવી ફરી દુર્ઘટના ન થાય તેવી અમે આશા રાખતા પરંતુ અમદાવાદની દુર્ઘટના પછી એવું જરૂર લાગે છે કે, તંત્રમાં હજુ કોઈ સુધારો થયો નથી. બહુ કહેવામાં આવતું કે આવી દુર્ઘટના નહીં સર્જાય પણ કોઈ જ કામ થયું હોય તેવું લાગતું નથી. તક્ષશિલાકાંડ બાદ પણ અમને હજુ ન્યાય મળ્યો નથી. આરોપીઓને જામીન મળી રહ્યાં છે.તક્ષશિલા આગ એટલી ભયાવહ હતી કે, માસૂમ બાળકોએ બિલ્ડિંગ ઉપરથી કૂદકા માર્યા હતાં. પોતાનો જીવ બચાવવા માટે માસૂમોએ પોતાના વાલીઓને છેલ્લા ફોન પણ કર્યા હતાં.
જો કે કોઈ તેમને બચાવી શક્યા નહોતા. ફાયરબ્રિગેડ સમયસર ન પહોંચ્યાના પણ આક્ષેપ થયા હતાં. ફાયરબ્રિગેડના સાધનો પણ તે વખતે ટાંચા સાબિત થયા હતા. તક્ષશિલા આર્કેડની તપાસ દરમિયાન મળેલી મૌખિક,દસ્તાવેજી, સાંયોગિક તેમજ વૈજ્ઞાનિક પુરાવાના આધારે તક્ષશિલા આર્કેડમાં સ્માર્ટ ડિઝાઈન સ્ટુડિયો, ટ્યુશન ક્લાસીસ ચલાવવા ભાડે આપનાર માલિકો, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના ફાયર ઓફિસર, ગેરકાયદેસર વીજકનેક્શનની ચકાસણી ન કરી ફરજમાં બેદરકારી દાખવનાર ડીજીવીસીએલના નાયબ ઈજનેર, તક્ષશિલા આર્કેડના ત્રીજા માળે બંધાયેલ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજૂ કરેલા પ્લાન સ્થળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતા ઈમ્પેક્ટ ફી મંજૂર કરનાર તથા સર્ટિફિકેટ ઓફ રેગ્યુલાઈઝેશન ઈશ્યૂ કરનાર પાલિકાના ઈજનેરો મળી કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
ફાયરબ્રિગેડમાં અંદર ચાલતાં ભ્રષ્ટાચાર, કોમ્યુનિકેશન ગેપ સહિત સાધનો ઓછા હોવાની સાથે સાથે ફાયરબ્રિગેડ સમયસર ઘટના સ્થળે ન પહોંચ્યું અને તેમની પાસે વિદ્યાર્થીઓને બિલ્ડિંગ પરથી નીચે ઉતારવા માટે સાધનો પણ નહોતા તે સહિત આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા લેવામાં આવેલા પગલાંની પણ ટીકા થઈ હતી. ડે. ફાયર ઓફિસર એસ. કે. આચાર્ય અને કિર્તી મોઢ દ્વારા તક્ષશિલાનો સર્વે યોગ્ય રીતે ન કરીને એનઓસી આપી દેવામાં આવ્યું હતું. અધિકારીઓ પર બારોબાર વહીવટ કર્યો હોવાના ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યાં હતાં. જેથી તેમને પણ આરોપી બનાવીને જેલમાં ધકેલવામાં આવ્યાં હતાં.