જામનગરમાં શનિવારે અડધો ઇંચ વરસાદ, ખંભાળિયામાં સવા, કલ્યાણપુરમાં એક ઇંચ
- ધ્રોલ, જોડિયા, દ્વારકા, ભાણવડમાં પણ અડધો અડધો ઇંચ પાણી વરસ્યું
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આગાહી વચ્ચે શનિવારે આઠ તાલુકામાં હળવો વરસાદ પડયો હતો જેમાં ખંભાળીયામાં વધુ સવા, કલ્યાણપુરમાં એક અને જામનગર, ધ્રોલ, જોડીયા, દ્વારકા અને ભાણવડ પંથકમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં શનિવારે ફરી ધમાકેદાર મેધપુનરાગમ થયું હતું જેમાં બપોર બાદ વરસેલા વરસાદે સાંજ સુધીમાં સવા ઇંચથી વધુ પાણી વરસાવ્યું હતું તેથી મોટાભાગના માર્ગ ફરી પાણી પાણી થયા હતા. જ્યારે કલ્યાણપુરમાં પણ મેઘરાજા મહેરબાન થતાં એક ઇંચથી વધુ પાણી પડયું હતું.
જામનગર શહેરમાં શુક્રવારે રાત્રીથી શનિવાર સાંજ સુધી ઝાપટા દોર યથાવત રહયો હતો જેમાં રાત્રી સુધીમાં વધુ અડધો ઇંચ પાણી વરસ્યું હતું. ધ્રોલ,જોડિયા, દ્વારકા અને ભાણવડ પંથકમાં પણ મેઘ મુકામ સાંજ સુધીમાં અડધો ઇંચ જેટલુ પાણી વરસાવ્યું હતું. બીજી બાજુ કાલાવડમાં શુક્રવારે મોડી રાત્રે હળવા ઝાપટા વરસ્યા હતા તો લાલપુરમાં શનિવારે વરસાદી ઝાપટા પડયા હતા. જામનગર શહેર સહિત હાલારભરમાં મેઘાવી માહોલ શનિવારે મોડી સાંજે યથાવત રહ્યો છે.
જામજોધપુર ગ્રામ્યમાં અડધાથી એક પોણો ઇંચ જામજોધપુર પંથકમાં શુક્રવારે વરસેલા વરસાદે શનિવારે વહેલી સવાર સુધી મુકામ કર્યો હતો. જેમાં તાલુકાના વાસજાળીયા ગામે વીજ મીમી, ધુનડામાં બાર મીમી, જ્યારે જામનગરના ધુતારપુરમાં દસ, મોટા ખડબામાં દશ અને પીઠડ ગામે દસ મીમી વરસાદ શનિવારે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક સુધીમાં નોંધાયો હોવાનું કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.
– રોહિત મેરાણી (જામનગર)