સ્કૂટરને ટક્કર મારનાર બોલેરો ચાલક સીસીટીવીથી ઝડપાયો

- શેખપાટ પાટિયા પાસે સપ્તાહ પૂર્વેની ઘટના
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એકાદ સપ્તાહ પૂર્વે બોલેરો અને સ્કૂટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજયુ હતુ. જેમાં પંચ એ પોલીસે આરોપી બોલેરો ચાલકને સીસીટીવી કેમેરા સહિતની મદદથી પકડી પાડયો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરની ભાગોળે રાજકોટ રોડ પર શેખપાટ પાટીયા પાસે લગભગ એકાદ સપ્તાહ પૂર્વે બોલેરો મેકસી ટ્રક અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં સ્કૂટર સવાર એક વ્યકિતએ જીવ પણ ગુમાવ્યો હતો.
જે બનાવની પંચ એ પોલીસ મથકના પીએસઆઇ ડી.પી.ચુડાસમા અને સ્ટાફના યશપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મગનભાઇ ચંદ્રપાલ, જીગ્નેશભાઇ વાળા સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન પોલીસ ટુકડી દ્વારા ધોરીમાર્ગ પર લગાવાયેલા સીસીટીવી કેમેરા અને પોકેટકોપ મોબાઇલના ઉપયોગ દ્વારા બનાવે મામલે સગડ સાંપડ્યા હતા. જેના આધારે પોલીસે અકસ્માત સર્જનાર બોલેરો ચાલક માલિક વિજય વશરામભાઇ કાઠીયા (રે.નવાગામ, શક્તિ સોસાયટી શેરી નં.૪ના કુવાડવા રોડ, પોલીસ સ્ટેશનની પાછળ,રાજકોટ)ને પકડી પાડયો હતો અને પોલીસે અકસ્માત મામલે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
– રોહિત મેરાણી (જામનગર)