24 ઓગસ્ટથી ઓફલાઇન પરિક્ષાઓનો પ્રારંભ, કંઇક આવી હશે બેઠક વ્યવસ્થા

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં 24 ઓગસ્ટથી ઓફલાઇન પરિક્ષાઓનો પ્રારંભ થવાનો છે. આ પરીક્ષાઓમાં ZigZag પ્રમાણે બેઠક વ્યવસ્થા રાખવા સહિતની સૂચનાઓ જારી કરાઈ છે. આ પરીક્ષાઓમાં કોવિડ19ની અપાયેલી ગાઇડલાઈનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક બોર્ડ દ્વારા 24 ઓગસ્ટથી ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટ પરીક્ષા રાજ્યના 24 કેન્દ્રો ઉપરથી લેવામાં આવશે. જેમાં કુલ 1,27,230 ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા 621 બિલ્ડીંગોના 6431 પરીક્ષા ખંડોમાં પરીક્ષા યોજાશે. ગુજકેટની પરીક્ષા પુરી થયા બાદ માર્ચ 2020માં લેવાયેલી ધો. 10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ પરીક્ષા રાજ્યના 34 કેન્દ્રો પરથી લેવામાં આવશે. જેમાં 23,830 ઉમેદવારો ઉપસ્થિત રહેશે તે માટે રાજ્યના જિલ્લાના મુખ્ય મથકો પર કુલ 131 પરીક્ષા સ્થળોનો ઉપયોગ થશે અને 1147 પરીક્ષા ખંડોમાં પરીક્ષા યોજાશે.
ધો. 10ની પૂરક પરીક્ષા 25મીથી 28 ઓગસ્ટ સુધી રાજ્યના જિલ્લા મથકે 38 કેન્દ્રો પરથી લેવામાં આવનાર છે. તે પરીક્ષામાં 1,31,901 ઉમેદવારો ઉપસ્થિત થનાર છે. 623 પરીક્ષા સ્થળોનો ઉપયોગ થશે અને 6,192 પરીક્ષા ખંડોમાં પરીક્ષા યોજાશે. કોવિડ 19ની પરિસ્થિતિમાં લેવાનારી પરીક્ષાના સંદર્ભે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ દ્વારા, જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, અને જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે વીડિયો કોંફરન્સ કરીને જરૂરી સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા કક્ષાએ પરીક્ષા સ્થળો ઉપર કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાય તે માટે સંબધિત પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓને જાણ કરાઈ છે. જિલ્લા કક્ષાએ મ્યુનિ. કોર્પોરેશન તેમ જ જિલ્લા આરોગ્ય તંત્રને કોવિડ 19ની ગાઇડલાઈન મુજબ પરીક્ષાના સંદર્ભે તકેદારી માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે સંકલન જાળવવા અને સહકાર આપવા જણાવ્યું છે.
પરીક્ષા વખતે શુ તકેદારી રાખવી ?
પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળો ઉપર વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે તકેદારી રાખવાની રહેશે. સોશિયલ ડિસ્ટનસિંગ, સેનેટાઈઝેશનની સુવિધા, થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકિંગ, રૂમના બારી બારણાં ખુલ્લા રાખવા, માસ્ક ફરજીયાત પહેરીને જ પરીક્ષા સ્થળ પર પ્રવેશ આપવો તેમ જ પરીક્ષા ખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી રીતે Zigzag પ્રકારે બેઠક વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી છે. તમામ વ્યવસ્થા ની ચકાસણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક તેમ જ કોવિડ19 માટેના મોનિટરીગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે.