ગાંધીનગરમાં નવી ડ્રેનેજ સિસ્ટમ માટે 251 કરોડનું ટેન્ડર

ગાંધીનગર શહેરનો સ્માર્ટ સીટી હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે જે પેટે કરોડોના કામો થઈ રહયા છે ત્યારે વર્ષો જુની ગટરલાઈન બદલવાનું નક્કી થયજ હતું ત્યારે રપ૧ કરોડનું નવી ગટર લાઈનનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. રૂપિયા કોર્પોરેશન ચુકવશે અને કામગીરી માર્ગ અને મકાન વિભાગ કરશે. વર્ષો જુની પાઈપલાઈનનું નેટવર્ક બદલવાથી ગટર ઉભરાવાની સમસ્યા ઈતિહાસ બની જશે તેમ મેયરે જણાવ્યું હતું. શહેરની રચના કર્યા બાદ પાણી અને ગટર લાઈનના નેટવર્કમાં કોઈ ફેરફાર થયો નથી. વસ્તી વધવાની સાથે જીવન જરૂરીયાતની આ બન્ને લાઈનો ઉપર સતત ભારણ રહયું છે જેના કારણે કેટલાક સેકટરોમાં ઓછા ફોર્સથી પાણી આવવાની સાથે ગટરલાઈન ચોકઅપ થવાની સમસ્યા પણ સર્જાતી રહી છે ત્યારે સ્માર્ટ સીટી પ્રોજેટક હેઠળ પાણીનું નેટવર્ક સુવ્યવસ્થિત ગોઠવીને ર૪ કલાક પાણીનો પુરવઠો આપવાની યોજના હાથ ધરાઈ હતી.
જેની ટેન્ડર પ્રક્રિયા પણ કરી દેવાઈ છે ત્યારે ગટરનું નવું નેટવર્ક ઉભું કરવા માટે પણ મથામણ શરૂ થઈ હતી અને આખરે રપ૧ કરોડ રૂપિયાના પ્રોજેકટને રાજય સરકારે લીલીઝંડી આપ્યા બાદ તેનું ટેન્ડર આજે બહાર પાડી દેવાયું છે. આ સમગ્ર યોજનાનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવશે અને માર્ગ મકાન વિભાગના સુપરવીઝન હેઠળ તેની કામગીરી કરવામાં આવશે. આ મામલે મેયર રીટાબેન પટેલે જણાવ્યું હતું કે ગટરલાઈનનું નવું નેટવર્ક નંખાઈ ગયા બાદ ગટરો ઉભરાવાની સમસ્યા ભુતકાળ બની જશે. આ સમગ્ર યોજના આગામી ૪૦થી પ૦ વર્ષની જરૂરીયાતને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ખુબજ ઝડપથી તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. નોંધવું રહેશે કે પાણી અને ગટર લાઈન બન્નેના ટેન્ડર હવે બહાર પડી ગયા છે ત્યારે યોજના મુજબ મુખ્ય અને રીંગરોડની સમાંતર બન્ને બાજુએ અલગ અલગ નેટવર્ક રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવનાર છે.