સુરત મહાનગર પાલિકામાં ડે.કમિશનર માટે એલએલબી ફરજિયાત

સુરત મહાનગર પાલિકામાં ડેપ્યુટી કમિશનર બનવા માટે એલ.એલ.બી ફરજિયાત કરી દેવાયું છે. તાજેતરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે પાલિકામાં ડેપ્યુટી કમિશનરની લાયકાતમાં ફેરફાર કર્યા છે. જેથી હાલમાં 5 ડેપ્યુટી કમિશનરની જગ્યા માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત દફતરે કરવાની નોબત આવી છે. જો કે આ અંગે પાલિકા તરફથી આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. સુરત મહાનગર પાલિકામાં 8 ડેપ્યુટી કમિશનરની જગ્યા સામે પાંચ જગ્યા ખાલી પડતા જાન્યુઆરી માસમાં જાહેરાત બહાર પાડવામાં આવી હતી.
જો કે કોરોના અને લોકડાઉનના કારણે ભરતીની પ્રક્રિયા વિલંબમાં મુકાઇ હતી બીજી તરફ 21 જુલાઇ 2020ના રોજ ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી પાલિકામાં ડેપ્યુટી કમિશનર સહિતની વિવિધ પોસ્ટની લાયકાતોમાં સુધારો કરવા અંગે ઠરાવ કર્યો છે. જેમા ડેપ્યુટી કમિશનરની લાયકાત કાયદાના સ્નાતક અથવા કોઇપણ શાખાના અનુસ્તાક માંગવામાં આવી છે. જેથી લાયકાતના જુના નિયમો રદ થઇ જતા જાન્યુઆરી માસમાં પાંચ ડેપ્યુટી કમિશનરની ભરતીની બહાર પાડવામાં આવેલી જાહેરાત રદ કરવામાં આવશે.