બાબા હરભજનસિંહ : એક શહીદ, જે મર્યા બાદ પણ કરે છે દેશની સુરક્ષા

બાબા હરભજનસિંહ : એક શહીદ, જે મર્યા બાદ પણ કરે છે દેશની સુરક્ષા
Spread the love

ભારત-ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. ચીને ફરી ભારતીય સીમામાં પૂર્વી લદ્દાખમાં પૈંગોગ લેક પાસે અવળચંડાઇ કરી હતી જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. આ દરમિયાન અમે તમને ભારત-ચીન બોર્ડરની એક એવી વાર્તા વિશે જણાવી રહ્યા છીએ. જેમાં ભારતીય સેનાનો એક સૈનિક શહીદ થયા બાદ પણ દેશની સેવા કરી રહ્યો છે. આ વાર્તા છે દિલ્હીથી લગભગ 1600 કિલોમીટર દૂર ભારતના સિક્કિમ રાજ્યમાં આવેલા નાથૂલા પાસે ભારત-ચીન બોર્ડરની.

આ નાથુલા દર્રા નજીક દક્ષિણમાં 10 કિલોમીટર દૂર 13 હજાર ફૂટથી વધુની ઉંચાઇ પર એક મંદિર છે, જે જોવામાં એક બંકર જેવુ જ લાગે છે. આ મંદિરની અંદર છે બાબા હરભજન સિંહ અને તેમનો સર સામાન, જે એક ભારતીય સૈનિક હોવાને કારણે તેમની પાસે હતો. તેમની ફૌજી વર્ધી, તેમના જૂતા આજે પણ આ મંદિરમાં રાખવામાં આવ્યા છે. આજે ભારતના જાંબાજ સૈનિક હરભજન સિંહ આપણી વચ્ચે નથી પણ આ મંદિર હંમેશા તેમની હાજરીનો અનુભવ કરાવે છે.
આટલુ જ નહી, ભારત-ચીન બોર્ડરની સુરક્ષામાં તૈનાત ભારતીય સૈનિકોનું માનવુ છે કે આજે પણ બાબા હરભજન સિંહ આ બોર્ડરની સુરક્ષા કરે છે અને આવનારા ખતરા પ્રત્યે જાણ કરે છે.

22 વર્ષની ઉંમરમાં થયા હતા શહીદ

બાબા હરભજનનો જન્મ 30 ઓગસ્ટ 1946માં જિલ્લા ગુજરાંનવાલા (હાલ પાકિસ્તાનમાં)ના સદરાના ગામમાં થયો હતો. હરભજન સિંહે વર્ષ 1955માં ડીએવી હાઇસ્કૂલ, પટ્ટીથી મેટ્રિક પાસ કર્યુ હતું. તે બાદ જૂન વર્ષ 1956માં હરભજન સિંહ અમૃતસરમાં એક સૈનિકના રૂપમાં ભારતીય સેનાની સિગ્નલ કોરમાં સામેલ થઇ ગયા હતા. માનવામાં આવે છે કે 30, જૂન, 1965માં તેમણે કમીશન આપી 14 રાજપૂત રેજિમેન્ટમાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તે બાદ તેમણે 1965માં ભારત-પાક યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તે બાદ તેમનું સ્થળાંતર 18 રાજપૂત રેજિમેન્ટ માટે કરી દેવામાં આવ્યુ હતું.

એમ પણ કહેવામાં આવે છે કે 9 ફેબ્રુઆરી 1966માં હરભજન સિંહ ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટમાં એક સિપાહી તરીકે ભરતી થયા હતા. વર્ષ 1968માં બાબાજી 23મી પંજાબ રેજિમેન્ટ સાથે પૂર્વ સિક્કિમમાં તૈનાત હતા. આ વર્ષે 4 ઓક્ટોબર, 1968માં ઘોડાના એક કાફલાને તુકુ લાથી ડોગચુઇ લઇ જતા સમયે સૈનિક હરભજન સિંહનો પગ લપસી ગયો હતો અને ઉંડી ખાઇમાં જઇને પડ્યા હતા. માનવામાં આવે છે કે પાણીના ઝડપી વહેણમાં તે લગભગ 2 કિલોમીટર સુધી દૂર જતા રહ્યા હતા. ખીણમાં પડવા અને નાળામાં વહેવાને કારણે 22 વર્ષની ઉંમરમાં તેમનું મોત થયુ હતું.

નાથુલા અને જેલેપ્લા પાસ વચ્ચે છે મેમોરિયલ મંદિર

કહેવામાં આવે છે કે તે બાદ સિપાહીઓએ તેમણે ઘણા શોધ્યા હતા પણ તે મળ્યા નહતા. કેટલાક દિવસ બાદ હરભજન સિંહ પોતાના એક સાથી સૈનિક પ્રીતમ સિંહના સપનામાં આવ્યા હતા અને તેમણે પોતાના મોતની જાણકારી આપી હતી, તેમણે સૈનિકને એમ પણ જણાવ્યુ કે તેમનું શરીર હજુ પણ કઇ જગ્યાએ પડ્યુ છે. તેમની યૂનિટે સિપાહીને જણાવ્યા અનુસાર શોધ શરૂ કરી હતી. અંતે થોડી મહેનત બાદ વીર સિપાહીનો પાર્થિવ દેહ તે જગ્યાએ પોતાની રાઇફલ સાથે પડેલો મળ્યો હતો જ્યા તેમના સાથી સૈનિકના સપનામાં જણાવ્યુ હતું.

એમ પણ માનવામાં આવે છે કે સપનામાં બાબા હરભજન સિંહે સાથી સૈનિકને એક સમાધિ બનાવવાનો અનુરોધ પણ કર્યો હતો. એવામાં સેનાના અધિકારીઓએ છોક્યા છો નામના સ્થળે તેમની સમાધિનું નિર્માણ કરાવ્યુ હતું. તે બાદ 11 નવેમ્બર, 1982માં એક નવુ મંદિર આ સ્થળ પર બનાવવામાં આવ્યુ. બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર આજે સિક્કિમના પાટનગર ગંગટોકથી લગભગ 52 કિલોમીટર દૂર નાથુલા અને જેલેપ્લા પાસ વચ્ચે 13,123 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. ત્સોંગો ઝીલ અથવા નાથુલા પાસની યાત્રા સાથે આ મંદિરને પણ સામેલ કરવામાં આવે છે. બાબા હરભજન સિંહને સમર્પિત આ મંદિરમાં હરભજન સિંહના જૂતા અને બાકી સૈનિકનો સામાન આજે પણ રાખેલો છે. જેની ત્યા તૈનાત સૈનિકો દ્વારા દેખરેખ કરવામાં આવે છે. ભારતીય જવના આ મંદિરની ચોકીદારી કરે છે.

ભારત-ચીન બોર્ડરની કરે છે સુરક્ષા

કહેવામાં આવે છે કે બાબા હરભજનસિંહ પોતાના મોત બાદ પણ પોતાની ડ્યૂટી પર તૈનાત રહ્યા. માન્યતા છે કે મોત બાદથી તેમની આત્મા ભારત-ચીન બોર્ડરની સુરક્ષા કરે છે. તેમણે પોતાની તૈનાતી દરમિયાન ચીનની ઘૂષણખોરી વિશે ભારતીય સૈનિકોને એલર્ટ પણ કર્યા છે. અહી સુધી કે ભારતીય સેનાએ આજે પણ એક સજાગ સૈનિક તરીકે તેમની સેવાને ચાલુ રાખી હતી, કેટલાક વર્ષ પહેલા તે પોતાના પદ પરથી રિટાયર થયા છે. માનવામાં આવે છે કે તેમણે પોતાની ડ્યૂટી માટે વેતનની સુવિધા પણ આપવામાં આવતી હતી. આજે હરભજન સિંહને શહીદ થયાને 50 વર્ષથી વધુનો સમય થઇ ગયો છે પરંતુ ચીની સરહદ પર તૈનાત ભારતીય સૈનિકો માટે તેમનો દેશ પ્રેમ આજે પણ અટલ છે.

અહેવાલ : યોગેશ પટેલ (અરવલ્લી)

IMG_20200914_142152-2.jpg IMG_20200914_142116-1.jpg Screenshot_20200914_142018-0.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!