માંગરોળ પોલીસે કતલખાને લઈ જવાતી બે ગાય અને બે વાછરડાને બચાવી લીધા

માંગરોળ પોલીસે બાતમીના આધારે ચરેઠા-કોસાડી માર્ગ પરથી કતલખાને લઈ જવાતી બે ગાય અને બે વાછરડાને બચાવી લીધા. માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી ,પરેશકુમાર કાંતિલાલ, અમૃત ધનજી વગેરે પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન PSI શ્રી નાયીને ખાનગીરાહે બાતમી મળી કે એક ગાડીમાં ગાય અને વાછરડા ભરીને કોસાડી લઈ જવાના છે.ઉપરોક્ત બાતમીના આધારે પોલીસ ટીમે ચરેઠા – કોસાડી માર્ગ ઉપર વોચ રાખી હતી, તે દરમિયાન બાતમીવાળી પીકઅપ જીજે.૧૯.એક્ષ.૫૭૫૫ આવતા એને ઉભી રાખવા પોલીસે ઇસારો કરતા, ચાલક ગાડી લઈને ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસે ગાડીનો પીછો કરતાં ગાડી પકડાઈ જવા પામી હતી. પરંતુ ગાડીમાં બેઠેલા ઈસમો ઉતરીને ભાગવા લાગતાં પોલીસે બે ને ઝડપી લીધા હતા.
જેમાં ચાલકનું નામ સૂફીયાન સોયેબ ભીખુ, ઉંમર-૨૧, રહેવાસી કોસાડી તથા બીજો શખ્સ અનઝર અનવર ભીખુ, ઉમર ૧૯ રહેવાસી કોસાડીનો સમાવેશ થાય છે. ગાડી ચેક કરતા એમાંથી બે ગાય કિંમત ૨૦ હજાર તથા બે વાછરડાની કિંમત ૧૪ હજાર રૂપિયા જ્યારે ગાડીની કિંમત ત્રણ લાખ ગણી કુલ ૩,૩૪,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી,આ જનાવરો વસરાવી ગામેથી મહમદ હાસમ સીધી પાસેથી લીધી હોય આ આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલ બે આરોપીઓએ કબૂલાત કરી છે કે આ જનાવરો કોસાડી ગામે કતલ માટે લઈ જતા હતા.પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વધુ તપાસ તૃષિતકુમાર મનસુખભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)