સીંગતેલ, ડુંગળી, બટેટા, શાકભાજીના ભાવ વધ્યા
અમદાવાદ : ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતોની મગફળીના તળિયાના ભાવ નક્કી કરવામાં આવ્યા હોવા છતા ખેડૂતો અત્યાર એમએસપી એટલે કે ટેકાના ભાવથી પણ નીચેની કિંમતે વેપારીઓને વેચી રહ્યા છે એટલું જ નહીં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખે એટલું મગફળી ઉત્પાદન થવાનું હોવા છતાં સીંગતેલના ભાવમાં દિવાળીના તહેવારો ટાણે જ તેલિયા રાજાએ ડબે રૂ. ૩૦ જેટલોભાવ વધારો ઝીંકી દીધો છે. છેલ્લા ૧૨ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ. ૧૨૦નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જ્યારે આ વર્ષે નવરાત્રિ સુધી વરસાદ ચાલુ રહ્યો હોવાથી શાકભાજીનું પણ મબલખ ઉત્પાદન થયું હોવા છતાં શહેરમાં આ શાકભાજી પહોંચતા જ વચેટિયાઓ દ્વ્રારા મધ્યમ વર્ગના લોકો પાસેથી બે થી પાંચ ગણા ભાવે વેચી રહ્યાં છે. ડૂંગળી- બટેટાના ભાવમાં પણ સંગ્રહખોરીના કારણે કૃત્રિમ ભાવ વધારો કરીને મધ્યમ વર્ગના પરિવારોને કોરોના કાળામાં અપૂરતી કમાણી વચ્ચે પણ લૂંટવામાં આવી રહ્યાં છે.
લીલા શાકભાજીના ભાવમાં થોડા સમય ઘટાડો થયા બાદ અચાનક ભારે વરસાદ અને અપૂરતો પુરવઠાના નામે શાકભાજીના સંગ્રહખોરોએ મોટા માર્જિન સાથે બકાલુ બજારમાં ઠાલવવાનું પણ શરૂ કર્યું છે. રસોડામાં રોજ વપરાતી શાકભાજીના ભાવ પ્રતિકિલોએ રૂ ૧૦૦ને પાર પહોંચી ગયા છે. ડુંગળીના રૂ ૨૦થી ૩૦ હતા જે વધીને ૮૦, બટાકાનો નવો ભાવ ૬૦ થી ૭૦, કોથમીર ૮૦ જૂનો ભાવ, નવો ભાવ રૂ ૧૨૦, ગુવાર ૮૦ થી ૭૦ જૂનો ભાવ, નવો ભાવ રૂ. ૧૨૦, મરચા જૂનો ભાવ ૮૦, નવો ભાવ રૂ. ૧૨૦, ચોળી રૂ. ૫૦ થી રૂ. ૬૦, નવો ભાવ ૮૦ થી રૂ. ૯૦ અને વાલોર રૂ. ૬૦ થી ૭૦, નવો ભાવ ૮૦ થી ૯૦ ચાલી રહ્યાં છે.બીજી બાજુ બટાકા અને ડુંગળીના ભાવમાં કૃત્રિમ તેજી ઊભી કરવામાં આવી રહી છે. બટેટા અને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હોવાની વાત મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટાકા અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે.
ઓછી આવકમાં ડિમાન્ડ નીકળતા બટેટા અને ડુંગળીના ભાવ કિલોના રૂ. ૫૦થી લઇને રૂ. ૮૦ સુધીના થયા છે. હાલ સફરજનના ભાવે ડુંગળી વેચાય રહી છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સામાન્ય દિવસોમાં રાજકોટના જૂના યાર્ડમાં બટેટાની આવક ૧૫થી ૨૦ ગાડીની થાય છે, પરંતુ અત્યારે આ આવક માત્ર ૧૦ ગાડીની જ છે. તેવી જ રીતે ડુંગળીની આવક અત્યારે માત્ર ૩૦૦૦ કટ્ટાની છે. જૂના યાર્ડમાં હરાજીમાં બટેટાનો ભાવ રૂ.૪૦૦-૬૭૦ ઊપજ્યો હતો અને ડુંગળીનો ભાવ રૂ. ૬૫૦-૧૨૫૦ બોલાયો હતો. હોટેલ રેસ્ટોરન્ટ શરૂ થતા ડિમાન્ડ પહેલા કરતા વધુ નીકળી છે.