ચપ્પલ ફેંકનાર ભાજપી નીકળ્યો : હોદ્દાઓ પર રહી ચૂક્યો છે

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનો પેટાચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કરજણ બેઠક કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરાકાષ્ઠાએ પહોંચી રહેલા પ્રચાર વચ્ચે સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર કરજણના કુરાલી ગામમાં ચપ્પલનો ઘા કરવાની બનેલી ઘટનાએ રાજકીય મોરચે ખળભળાટ મચાવી મૂક્યો છે. પોલીસે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલનો ઘા કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર શિનોરના રશ્મિન પટેલની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા જિલ્લા પોલીસ કહે છે કે ચપ્પલનો ઘા કરાવનાર સૂત્રધાર કોંગ્રેસનો કાર્યકર છે, જોકે શિનોર તાલુકા ભાજપ-પ્રમુખ કહે છે કે રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે અને ભાજપમાં હોદ્દાઓ પર પણ રહી ચૂક્યો છે. આમ, ડેપ્યુટી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર ભાજપી નીકળ્યો છે.શિનોર તાલુકા ભાજપ-પ્રમુખ કહે છે કે રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે શિનોર તાલુકા ભાજપ-પ્રમુખ ચંદ્રવદન પટેલે જણાવ્યું હતું કે રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે, અગાઉ તે શિનોર તાલુકા પંચાયતનો સભ્ય હતો.
હમણાં સંગઠન પર્વ ચાલતું હતું ત્યારે પણ કાર્યકર તરીકે ફોર્મ ભર્યું હતું. તે બીજા કોઇ પક્ષમાં જોડાયો હોય એવું મારા ધ્યાનમાં નથી અને તેને સસ્પેન્ડ કર્યો હોય એવું પણ મારા ધ્યાનમાં નથી.રશ્મિન પટેલ પહેલાં ભાજપનો કાર્યકર હતો, હાલ છે કે નહીં એની મને ખબર નથીવડોદરા જિલ્લા ભાજપ-પ્રમુખ દિલુભા ચૂડાસમાએ રશ્મિન પટેલ અંગે જણાવ્યું હતું કે રશ્મિન પટેલ પહેલા ભાજપનો કાર્યકર હતો. હાલમાં છે કે નહીં એની મને ખબર નથી. તાલુકા ભાજપ-પ્રમુખને પૂછો.રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે કે નહીં એની મને ખબર નથી.
વડોદરા જિલ્લા કોંગ્રેસપ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે(કોકો) ચપ્પલની ઘટના અંગે જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાની બનેલી ઘટનાને કોંગ્રેસ વખોડી કાઢે છે. અમે આવાં તત્ત્વોને સમર્થન આપતા નથી. ચપ્પલ ફેંકવાના કાવતરામાં ઝડપાયેલા રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે કે નહીં એની મને ખબર નથી, પરંતુ તે પહેલાં ભાજપનો સક્રિય કાર્યકર હતો એ નક્કી છે. પોલીસ કહે છે કે જૂતું ફેંકાવનાર રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર ચપ્પલનો ઘા થતાં વડોદરા જિલ્લા પોલીસતંત્રની ઊંઘ હરામ થઇ ગઇ હતી.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે વિડિયો ફૂટેજ, બાતમીદારો અને ટેક્નિકલ સ્ટાફની મદદ લઇને ગણતરીના કલાકોમાં નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલનો ઘા કરાવવા માટેની મુખ્ય ભૂમિકા ભજવનાર શિનોરના રહેવાસી રશ્મિન જશુભાઇ પટેલની ધરપકડ કરી હતી. આ અંગે વડોદરા જિલ્લા પોલીસવડાએ મંગળવારે મોડી રાત્રે પત્રકાર પરિષદને માહિતી આપતાં જણાવ્યું હતું કે રશ્મિન પટેલે અમિત પંડ્યા નામની વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જણાવ્યું હતું કે આપડો જૂતા ફેંકવાનો પ્લાન સફળ થઇ ગયો છે. મારા માણસો દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું છે. આ અંગે ઉજવણી કરવાની છે. આ ટેલિફોનિક વાત પરથી લાગે છે કે જૂતું ફેંકાવનાર રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે.
રશ્મિન પટેલ વર્ષ-2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યો છે, જ્યારે તેની પત્ની 23-1-2012થી 6-2-2014 દરમિયાન શિનોરમાં સરપંચ હતી. એ સમયે તે ભાજપના સક્રિય કાર્યકર હતા. એમ પણ કહેવાય છે કે રશ્મિન પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ( નિશાળિયા) જૂથના મનાતા હતા. રશ્મિન પટેલે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાનું સફળ કાવતરું પૂરું પાડવાનું કામ ભાજપના જ કોઇ મોટા માથાના ઇશારે કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે રશ્મિન પટેલ હાલ કોંગ્રેસના કાર્યકર હોવાનું જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
પૂછપરછ દરમિયાન અન્ય વિગતો બહાર આવશેવડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળાએ જણાવ્યું હતું કે અમને માહિતી મળી છે કે રશ્મિન પટેલ પહેલા ભાજપમાં હતો અને છેલ્લાં પાંચ વર્ષથી તે કોંગ્રેસમાં જોડાઇ ગયો છે. હાલ તે કોંગ્રેસનો કાર્યકર છે એ નક્કી છે. તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. તેને કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રશ્મિન પટેલે તેના કયા સાથીદાર દ્વારા ચપ્પલ ફેંકાવ્યું એ અંગે આરોપી કંઇ જવાબ આપતો નથી. તેની પૂછપરછ દરમિયાન અન્ય વિગતો બહાર આવશે. પોલીસે રશ્મિન પટેલને કરજણ કોર્ટમાં રજૂ કરીને 7 રિમાન્ડ માંગ્યા હતા. જોકે કરજણ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.