કોંગ્રેસના ઉમેદવારના રોકડા રૂપિયાની હેરાફેરી ઝડપાઈ

સુરતના બિલ્ડર પાસેથી રોકડા 25 લાખ લઇને કારમાં વડોદરા તરફ જતાં બે શખ્સોને ભરુચની ટીમે ઝડપ્યા હતા ભરૂચ ટોલનાકા પરથી તપાસ દરમ્યાન એલસીબી દ્વારા એક કારમાંથી બે શખ્સોને રૂપિયા 25 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરતના બંને શખ્સોની કરેલી પૂછપરછ દરમ્યાન આ રોકડ રકમ સરથાણા વિસ્તારના બિલ્ડરના ત્યાંથી લઈ કરજણ ખાતેના કોંગ્રેસના પેટાચૂંટણીના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવા માટે જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી.
જે બાદ ભરૂચ એલસીબી દ્વારા સુરતના કંટ્રોલરમ પર મેસેજ આપતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા સ્થિત બિલ્ડરની સાઈટ પર આવેલ પ્રોજેકટની ઓફિસે દરોડા પાડી 30 લાખ 95 હજાર જેટલી રોકડ રકમ ઝડપી પાડી હતી. જે લાખોની રોકડ રકમ સહિત કરવામાં આવેલ જરૂરી કાર્યવાહીના કાગળો ભરૂચ એલસીબીને સુપરત કરવામાં આવી છે. સરથાણા સ્થિત રિવેરા એટલાન્ટિસ નામના બાંધકામ પ્રોજેક્ટની ઓફિસ પર દરોડાભરૂચ એલસીબી દ્વારા સુરત પોલીસ કંટ્રોલરૂમને કરવામાં આવેલી જાણ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે સરથાણા સ્થિત રિવેરા એટલાન્ટિસ નામના બાંધકામ પ્રોજેકટ પર આવેલ બિલ્ડરની ઓફિસમાં છાપો માર્યો હતો.
જે ઓફિસમાંથી રોકડ રૂપિયા 30 લાખ 95 હજાર જેટલી રકમ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિલ્ડરના પણ આ અંગે નિવેદન લેવામાં આવ્યા હતા. જ્યાં ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછ જાણવા મળ્યું કે રોકડ રકમ બિલ્ડર દ્વારા જ બંને શખ્સોને આપવામાં આવી હતી અને કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવા માટે જણાવાયું હતું. સુરત કલેકટર, ચૂંટણી અધિકારી અને આયકર વિભાગને જાણ કરાઈક્રાઇમ બ્રાન્ચ દ્વારા જગ્યા પર પંચનામું કરી રૂપિયા 30 લાખથી વધુની રકમ સહિત જરૂરી કાર્યવાહીના કાગળો ભરૂચ એલસીબીને સુપરત કર્યા હતા. જ્યાં આગળની તપાસ હાલ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.
ગત રોજ ભરૂચ ટોલનાકા પરથી એલસીબીની ટીમે ફોર વ્હીલ કારમાં લઈ જવાય રહેલા રોકડ રૂપિયા 25 લાખ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જે બાદ સુરત કલેકટર, ચૂંટણી અધિકારી અને આયકર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી.ઘટના શું હતી?ભરૂચ એલસીબીની ટીમ મુલદ ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગમાં હતી. દરમિયાન સુરત તરફથી આવતી વડોદરા પાસિંગની એક કારને અટકાવી હતી. કારમાં બેસેલાં બે શખ્સોની પુછપરછમાં ટીમને શંકા જતાં કારમાં તપાસ કરતાં રૂપિયા 25 લાખ ભરેલી એક થેલી મળી આવી હતી.
ટીમે તેમની ઉલટ તપાસ કરતાં તેમણે પોતાના નામ દિપક દશરથસિંહ ચૌહાણ (રહે. ધનોરા, તા. કરજણ) તેમજ રવી લક્ષ્મણ મોકરિયા (રહે. અવધ સોસાયટી, વાસણા રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. રૂપિયા અંગે ઘનિષ્ટ પુછપરછમાં તેઓએ સુરતના બિલ્ડર પાસેથી રૂપિયા લાવ્યાં હતાં. આ રૂપિયા કરજણ પેટા ચૂંટણીના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાના હતા તેવી કેફિયત કરી હતી. જ્યંતિ સોહગિયા સુરતના બિલ્ડર હોઇ શકે છે, તે અંગે તપાસ કરી રહ્યા છે તેવું ડીવાયએસપી એ.જી. ગોહિલે જણાવ્યું હતું.