કોલેજના કર્મચારીએ વિદ્યાર્થીઓની ફીના 17.71 લાખની ઉચાપત કરી

અમદાવાદ, ગોતામાં આવેલી આદીત્ય સિલ્વર ઓક ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કોલેજના કર્મચારીએ કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે રોકડ રકમ મેળવી ખોટી રિસિપ્ટ આપી રૂ.17,71,128 ની છેતરપિંડી કરી હતી. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગોતામાં આવેલી આદીત્ય સિલ્વર ઓક ઈન્સ્ટીટયુટ ઓફ ટેકેનોલોજી કોલેજમાં જીજો જેકોબ કાકાશેરી છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે અને કોલેજના સ્ટુડન્ટ પાસેથી રોકડ અને ચેકમાં ફી કલેક્શન કરવાનું કામ કરે છે. ફી પેટે વિદ્યાર્થીઓને રિસિપ્ટ આપવાની હોય છે જ રિસિપ્ટ કોલેજના ઈઆરપી સોફ્ટવેરમાં બનતી હોય છે. જોકે લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન ફી લેવામાં આવતી હતી.
દરમિયાન કોલેજના પ્રોફેસરને કોલેજના વિદ્યાર્થી અને જીજો જેકોબ વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ મળી હતી. જેમાં જીજો જેકોબ વિદ્યાર્થીને ચેકથી પૈસા ભરીશ તો પુરા પૈસા ભરવા પડશે અને રોકડેથી ભરીશ તો કોલેજ તરફથી કેશ ડિસ્કાઉન્ટ મળશે, એમ કહ્યું હતું. જેને આધારે કોલેજના સ્ટાફે તપાસ કરતા આરોપી જીજો જેકોબ કોલેજના ઈઆરપી સોફ્ટવેરમાં વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે રોકડ નાણાં મેળવી ખોટી સ્સિપ્ટ બનાવીને છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું હતું. પુછપરછમાં તેણે છેલ્લા એક વર્ષમાં કુલ રૂ. 17,71,128 ની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે કોલેજમાં નોકરી કરતા જવલંતભાઈ એ.મોદીએ જીજો જેકોબ કાકાશેરી વિરૂધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.