આજે સૂર્યગ્રહણ : ભારતમાં નહીં દેખાય

આજે સૂર્યગ્રહણ : ભારતમાં નહીં દેખાય
Spread the love
  • ૨૧મી ડિસેમ્બરે શનિ-ગુરુની અનોખી યુતિ

આજે સૂર્યગ્રહણનો અનોખો સંયોગ થવા જઈ રહ્યો છે. જોકે, ભારતમાં કંકણાકૃતિના આકારનું આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી. આજનું આ સંપૂર્ણ (ખગ્રાસ) સૂર્યગ્રહણ મોટા ભાગે દક્ષિણ અમેરિકાના ચિલી તથા આર્જેન્ટિના દેશમાં દેખાશે. ભારતીય સમય મુજબ આ ગ્રહણ સાંજે ૭.૦૩ વાગ્યે શરૂ થશે અને મધરાત બાદ ૧૨.૨૩ વાગ્યા સુધી (આશરે પાંચ કલાક) ચાલશે. ગ્રહણની ચરમસીમાનો સમય રાત્રે ૯.૪૩ વાગ્યાનો છે. અમેરિકાની અવકાશી સંસ્થા નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન) લાઇવ-લિન્ક પૂરી પાડશે જેનાથી વિશ્ર્વમાં ક્યાંયથી પણ કોઈ પણ વ્યક્તિ એ લિન્ક દ્વારા આ સૂર્યગ્રહણ જોઈ શકશે. જોકે, ચિલી તથા આર્જેન્ટિનાના લોકો માટે ગ્રહણ દરમિયાન વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ છે. ચંદ્ર જ્યારે સૂર્યને પૂર્ણપણે અવરોધે છે

ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ (ટોટલ એક્લીપ્સ) થયું કહેવાય છે. અંશત: સૂર્યગ્રહણમાં ચંદ્રએ સૂર્યના અમુક ભાગને જ ઢાંકેલો હોય છે. આવતા વર્ષે (૨૦૨૧માં) બે સૂર્યગ્રહણ થવાના છે. એમાંનું પહેલું સૂર્યગ્રહણ વર્ષની મધ્યમાં (૧૦મી જૂને) અને બીજું આખરમાં (૪ ડિસેમ્બરે) થશે. જૂન, ૨૦૨૧ના સૂર્યગ્રહણમાં ચંદ્રએ સૂર્યના મધ્ય ભાગને ઢાંકેલો હશે જેને લીધે સૂર્યના મધ્ય ભાગની બહારના કિરણોથી વીંટી જેવો આકાર (કંકણાકૃતિ) બની ગયેલો દેખાશે. વિખ્યાત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલે ‘મુંબઈ સમાચાર’ને આપેલી માહિતી મુજબ ‘ખગોળશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓ માટે ખગ્રાસ સૂર્યગ્રહણ હંમેશાં મોટો ઉત્સવ બની જાય છે. આ સંયોગમાં તેમને ઘણી નવી અને અનોખી બાબતો જાણવા મળે છે.

આજના સૂર્યગ્રહણની વિશેષતા એ છે કે કરોના જે રીતે ગોળાકારમાં હોય છે એવા જ મુકુટાવરણમાં આજે ગ્રહણ દરમિયાન સૂર્યનો આકાર (સૂર્યપ્રકાશથી બનેલો વીંટી જેવો આકાર) જોવા મળશે. ૧૦ લાખ ડિગ્રી ઉષ્ણતામાન ધરાવતા આ સૂર્યના રૂપમાં જાણે વાયુમંડળમાંના સાક્ષાત ઈશ્ર્વર તમારી સામે હોય એવો ભાસ થાય છે. વિજ્ઞાનીઓનો અભ્યાસ કહે છે કે સ્તબ્ધ થઈ જવાય એવી આ ઘટનાની હકીકત એ છે કે મુકુટાવરણના સ્વરૂપનો જાણે ૧૪ લાખ કિલોનો ઘંટ સતત રણકતો હોય એવી પ્રચંડ શક્તિ સૂર્યકિરણોથી ફલિત થાય છે.’ દરમિયાન, ૨૧મી ડિસેમ્બરે (આવતા સોમવારે) બીજી એક ખગોળીય ઘટના બનશે જેમાં શનિ અને ગુરુના ગ્રહ એકબીજાની ખૂબ નજીક આવી જશે.

ડૉ. જે. જે. રાવલે આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘શનિ અને ગુરુ છેલ્લાં ૮૦૦ વર્ષમાં ક્યારેય નથી થયા એટલા બધા એકમેકની નજીક આવી જશે. વાસ્તવમાં તેમની વચ્ચે ખાસ્સું એવું અંતર હોય જ, પરંતુ એ દિવસે તેઓ એટલા બધા નજીક આવશે કે એ ઘટના ખગોળ વિજ્ઞાનીઓ માટે તથા ગ્રહોના અભ્યાસમાં રુચિ ધરાવનારાઓ માટે અપ્રતિમ બની રહેશે.’ જ્યોતિષવિદ્યા ધરાવનારાઓ માટે પણ એ ઘટના મહત્ત્વની બની રહેશે, કારણકે અંતરિક્ષના બે મોટા ગ્રહો શનિ તથા ગુરુની આ યુતિની જ્યોતિષ શાસ્ત્ર મુજબ મોટા પાયે અસર જોવા મળે છે. એક અભ્યાસ મુજબ ૨૧મી ડિસેમ્બરે શનિ અને ગુરુના ગ્રહ વચ્ચે બહુ જ ઓછું અંતર હશે અને એ દુર્લભ ઘટનાને નરી આંખે જોઈ શકાશે.

કહેવાય છે કે ૧૬૨૩ વર્ષ બાદ આવી ઘટના બની રહી છે અને ફરી આવી ઘટના ૬૦ વર્ષ બાદ (૨૦૮૦માં) જોવા મળશે. આજના સૂર્યગ્રહણ વિશે વધુ જાણીએ તો આજનું આ ગ્રહણ દક્ષિણ અમેરિકાના દક્ષિણના ભાગોમાં તથા દક્ષિણ-પશ્ર્ચિમ આફ્રિકામાં અને ઍન્ટાર્કટિકામાં અંશત: દેખાશે. સામાન્ય રીતે વર્ષ દરમિયાન માત્ર બે સૂર્યગ્રહણ થતા હોય છે, પરંતુ વર્ષ ૨૦૨૦માં (આજનું સૂર્યગ્રહણ ગણીને) નાના-મોટા કુલ પાંચ સૂર્યગ્રહણ થયા છે. આ પહેલાં, ૧૯૩૫માં મહત્તમ સંખ્યામાં સૂર્યગ્રહણો થયા હતા.

ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે

અમદાવાદ: આ વર્ષની છેલ્લી મિથુન ઉલ્કાવર્ષાની સુંદર આતશબાજીનો નજારો ૧૪ની મધરાત્રે જોવા મળશે. આ અંગે સ્ટારગેજીન્ગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અમુક કુદરતી અનુકૂળ સંજોગોને કારણે ઉલ્કા વર્ષા વિશિષ્ટ બની રહેશે. ઉલ્કા વર્ષા વખતે ચન્દ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રે વધુ ઉલ્કાઓ જોવા મળશે. આમ તો આ ઉલ્કાવર્ષાની શરૂઆત ૭મી ડિસેમ્બરથી થઈ ચૂકી છે અને છૂટીછવાઈ ઉલ્કાઓ જોવા પણ મળી રહી છે પરંતુ સૌથી વધુ ઉલ્કાઓ ૧૩મીની રાત્રે એટલે કે, રાત્રિના ૧૨ વાગ્યા પછીથી શરૂ થઇ ૧૪ તારીખના ખરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મિથુન રાશિના બે તારા પુરુષ અને પ્રકૃતિ મૃગ મંડળથી ઉત્તર પૂર્વ તરફ ઉગેલા હોઈ સહેલાઈથી ઓળખી શકાશે. આ ઉલ્કા વર્ષા આકાશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પણ ચારે તરફ જોવા મળશે. આથી નિરીક્ષણ સ્થળથી જે દિશામાં વધુ અંધારૂં હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાથી વધુ ઉલ્કાઓ જોઈ શકાશે. આ વરસે કલાકની ૧૫૦ ઉલ્કાઓ ખરવાની સંભાવના આઈએમઓ દ્વારા દર્શાવવામાં આવી છે. દરમિયાન આ વખતે ઉલ્કાવર્ષા નિહાળવાની ખાસ વ્યવસ્થા સફેદ રણમાં વ્હાઈટ ડેઝર્ટ કેમ્પેઈનના સહયોગથી ગોઠવાઇ છે.

download.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!